(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
વરિષ્ઠ પત્રકાર અને એબીવીપી ન્યુઝના એન્કર અભિસાર શર્માએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટથી બે એવી તસવીરો પોસ્ટ કરી છે કે ત્યારબાદ સોશિયલ મીડિયામાં ભાજપા નેતાઓની ઈજ્જતનો ધજાગરો થઈ રહ્યો છે.
પત્રકાર અભિસાર શર્માએ મંગળવારે ૩૦ જાન્યુઆરીના રોજ ટ્‌વીટર એકાઉન્ટમાં બે તસવીરો શેયર કરી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. પ્રથમ તસવીરમાં ઉત્તર-પૂર્વ દિલ્હીથી ભાજપા સાંસદ અને દિલ્હી ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીની હાજરીમાં તેમના કથિત સમર્થકો તિરંગા પર બેઠેલા છે જ્યારે બીજી તસવીરમાં કાસગંજ હિંસામાં માર્યા ગયેલા ચંદન ગુપ્તાની યાદમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ભાજપા નેતા હસી રહ્યા છે. આને સાથે અભિસાર શર્માએ લખ્યું કે, આ બે તસવીરોમાં ન તિરંગાનું અપમાન છે ન દિવગંત ચંદન ગુપ્તાની આત્માનું કેમ મિત્રો ? જો કે પત્રકાર અભિસાર શર્માએ આ વાતનો ઉલ્લેખ નથી કર્યો કે ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીની આ તસવીર ક્યારની છે પણ બીજી તસવીર એ સમયની છે જ્યારે કાસગંજ હિંસામાં માર્યા ગયેલા યુવક ચંદન ગુપ્તાની યાદમાં રવિવારના રોજ આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ભાજપ નેતા હસતા હસતા દીપક જલાવી રહ્યા છે. પત્રકાર અભિસાર શર્માનો ટ્‌વીટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ ભાજપની આલોચના શરૂ કરી દીધી છે. એક યુઝરે લખ્યું કે ભાજપા માત્ર રાષ્ટ્રવાદને હથિયારના રૂપમાં જુએ છે અને જ્યારે પણ અવસર મળે ત્યારે આ રાષ્ટ્રનું અપમાન કર્યા બાદ મુસ્લિમો પર તૂટી પડે છે. ત્યારે અન્ય એક યુઝરે લખ્યું કે ઘણા દાયકાઓ સુધી તિરંગાનું અપમાન કરનારા આજે દેશભક્તિના સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે.