નવી દિલ્હી, તા. ૬
અયોધ્યામાં બાબરી મસ્જિદ શહીદીને બુધવારે ૨૫ વર્ષ પુરા થયા. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં કારસેવકોના નામે જોડાયેલા હજારો લોકોએ અચાનક વિવાદાસ્પદ જગ્યા પર હુમલો કરી દીધો હતો અને જોતજોતામાં તેને શહીદ કરી દીધી હતી. જે દિવસે બાબરી મસ્જિદ શહીદ થઇ ત્યારથી ભારતમાં નવી રાજકીય લાઇન ખેંચાઇ ગઇ. બુધવારે આ ઘટનાને ૨૫ વર્ષ પુરા થતા અયોધ્યા સહિત સમગ્ર ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં સુરક્ષા વધારી દેવાઇ હતી. ૨૫ વર્ષ પહેલા આજના દિવસે જ આ મસ્જિદને શહીદ કરી દેવાઇ હતી અને દેશની એક પીઢી યુવાન થઇ ગઇ પરંતુ બાબરી શહીદીને કારણે જે ધૂળની ડમરી ઉડી તે આજ સુધી શાંત નથી થઇ.
૬ ડિસેમ્બર ૧૯૯૨ની સાંજથી લઇ આજે ૨૫ વર્ષ બાદ પણ આ સ્થાન પર કાંઇ બદલાયું નથી જે રીતે ધૂળની ડમરીઓ શાંત નથી થઇ તેજ રીતે ઘટનાની યાદો પણ શાંત થતી નથી. જૂન ૧૯૮૯માં ભાજપે વિશ્વ હિંદુ પરિષદના આંદોલનને પોતાનું સમર્થન આપ્યું તો ૯ નવેમ્બર ૧૯૮૯ના રોજ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદની નજીક શિલાન્યાસની પરવાનગી આપી દીધી હતી. ત્યારબાદ ૨૫ સપ્ટેમ્બર ૧૯૯૦ના રોજ પૂર્વ ભાજપના અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથ મંદિરથી ઉત્તરપ્રદેશના અયોધ્યા સુધી રથયાત્રા કાઢી આ દરમિયાન અડવાણીને બિહારના સમસ્તીપુરમાં ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબર ૧૯૯૧માં ઉત્તરપ્રદેશમાં કલ્યાણસિંહની સરકારે બાબરીની આસપાસની ૨.૭૭ એકર જમીનને પોતાના અધિકારમાં લઇ લીધી હતી. ત્યારબાદ હજારો કારસેવકોએ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ શહીદ કરી નાખી હતી. સવારે ૧૦.૩૦ વાગ્યાથી શરૂ થયેલી આ વિધ્વંસક કાર્યવાહીએ સાંજે પાંચ વાગ્યા સુધી મસ્જિદને એક મેદાનમાં ફેરવી નાખી હતી અને ઉતાવળમાં તિરપાલની વ્યવસ્થા કરી રામલલાને બિરાજમાન કરી દીધા હતા. ત્યારથી અત્યારસુધી આ તિરપાલ બદલાતું રહે છે તેને ફરજમાં તૈનાત કર્મીઓ બદલે છે અને તેની સાથે બદલાય છે દાવપેચનો સિલસિલો. અયોધ્યા આજે દેશના રાજકીય એજન્ડા પર છે.