(એજન્સી) નવી દિલ્હી, તા.૨૯
કોંગ્રેસમાં સંગઠનાત્મક પરિવર્તન અને કાયમી અધ્યક્ષની માગને લઇને સોનિયા ગાંધીને પત્ર લખનારા ૨૩ નેતાઓમાં સામેલ જીતીન પ્રસાદે શનિવારે જણાવ્યું કે, પત્રનો ખોટો અર્થ કરાયો છે અને તેમને પાર્ટીના ટોચના નેતૃત્વના પૂરો વિશ્વાસ છે. પ્રસાદે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે, આ પત્રને ક્યારેય નેતૃત્વ પરિવર્તનના આશયથી લખાયો ન હતો. પત્રમાં હસ્તાક્ષર કરવાના કારણ અંગે તેમણે જણાવ્યું કે, આ પત્ર એ સૂચના આપવા માટે લખાયો હતો કે, કેવી રીતે પાર્ટી ફરીથી બેઠી થાય અને મજબૂતી આપવામાં આવે તથા સંગઠનને પ્રેરિત કરવા માટે આત્મમંથન કરવામાં આવે. તેમણે એ વાત પર ભાર મુક્યો કે, પત્રનો ઇરાદો નેતૃત્વને નબળું દેખાડવાનો ન હતો. મેં કોંગ્રેસ કાર્યસમિતીની બેઠકમાં આ વાત પણ કરી હતી.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ પત્રનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. પત્રના માધ્યમથી કોંગ્રેસના ટોચના નેતાઓને પડકાર આપવાના આરોપો અંગે તેમણે કહ્યું કે, મને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વ પર પૂરો ભરોસો છે અને તેમને પણ મારામાં વિશ્વાસ છે. તેમણે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાની કોંગ્રેસ કમિટી દ્વારા પ્રસ્તાવ પસાર કરીને તેમની સામે પગલાં લેવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે, સ્થાનિક સ્તરે જૂથોને ઉશ્કેરી પ્રસ્તાવ પસાર કરાયો હશે. દરેક લોકશાહી પાર્ટીમાં આ પ્રકારની નાની-મોટી ઘટનાઓ બનતી હોય છે અને તે સ્થાનિક સ્તરે સંગઠનની ઉશ્કેરણીનું પરિણામ પણ હોઇ શકે છે. મને દુઃખ નથી કારણ કે દરેક કોંગ્રેસ પરિવારનો ભાગ છે. હવે આ બાબત સમાપ્ત થઇ ગઈ છે અને અમારે સત્તાપક્ષ સામે લડાઇ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. હવે બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશની ચૂંટણી આવશે ત્યારે અમારે સંપૂર્ણ શક્તિ સાથે સાંપ્રદાયિક તાકતો સામે લડવાનું છે.
Recent Comments