ડીસા, તા.૧૩
થરાદ સાંચોર હાઇવે પર મેસરા ગામ નજીક મોડી રાત્રે લાકડા ભરેલું ટ્રેલર પથ્થર ભરેલા ટ્રેલર સાથે ધડાકાભેર ટકરાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે, લાકડાં ભરેલુ ટ્રેલર ઘટનાસ્થળે જ સળગી ઉઠ્યું હતું. જેમાં સવાર ડ્રાઈવર અને ક્લીનર સળગી જતાં મોતને ભેટ્યા હતા. થરાદથી ૩૫ કિલોમીટર દૂર આવેલા સાંચોર હાઇવે પાસેના મેસરા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. થરાદથી રાજસ્થાન તરફ જઇ રહેલા લાકડાં ભરેલા ટ્રેલરે સાંચોર બાજુથી થરાદ તરફ જઈ રહેલા પથ્થર ભરેલા ટ્રેલરને ધડાકાભેર ટક્કર મારતાં લાકડા ભરેલું ટ્રેલર અકસ્માત બાદ તરત સળગી ઉઠ્યું હતું. ટ્રેલરમાં સવાર ડ્રાઈવર અને ક્લીનર બંને સળગીને ભડથું થઈ ગયા હતા. થરાદ ૧૦૮ની ટીમને જાણ કરાતાં તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. દરમિયાન પથ્થર ભરેલા ટ્રેલરના ડ્રાઈવર અને ક્લિનરને નાની-મોટી ઇજાઓ થતાં તેમને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ હતી. અકસ્માત જોતા સદનસીબે બંનેનો બચાવ થયો હતો. થરાદ સાંચોર હાઇવે પર મેસરા ગામ પાસે ૩૦ મિનિટ સુધી ટ્રેલર સળગતું રહ્યું અને ત્યારબાદ થરાદ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતના પગલે બંને તરફનો વાહન વ્યવહાર રોકી દેવાયો હતો. આ આગથી કોઇ અન્ય વાહનને ક્ષતિ ન થાય તેની તકેદારી દાખવવા માટે ગ્રામજનોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી થરાદ પોલીસની ટીમે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.