(એજન્સી) તા.રર
રાજસ્થાનના ચિત્તોડગઢમાં હજારો મહિલાઓએ રવિવારના દિવસે તલવારો સાથે ચેતવણી રેલી નીકાળી હતી. તેઓએ સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે જો પદ્માવત ફિલ્મને રિલીઝ કરવામાં આવશે તો તેઓ જૌહર કરશે. લગભગ ર૦૦૦ મહિલાઓએ જૌહર (આગમાં કૂદીને આત્મહત્યા) માટે તેમના નામનો નોંધાયા છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્મિત ‘પદ્માવત’માં દીપિકા પાદુકોણ, રણવીરસિંહ અને શાહીદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ પહેલાં ૧ ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાની હતી પરંતુ કરણી સેના નામના હિન્દુ આતંકવાદી સંગઠનના હિંસક વિરોધ અને ભાજપના કેટલાક નેતાઓ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકીને લીધે નિર્માતાઓ દ્વારા આ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનકારીઓએ ચિત્તોડગઢના કિલ્લાથી તેમની રેલીની શરૂઆત કરી હતી જેનો શહેરના મુખ્ય બજારમાં અંત કરવામાં આવ્યો હતો અને ત્યાં પ્રદર્શનકારીઓના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત કરતો આવેદનપત્ર જિલ્લા કલેકટર ઈન્દ્રજીતસિંહને આપ્યો હતો. આ આવેદનપત્રમાં લખવામાં આવ્યું હતું કે આ રેલી રાણી પદમિનીના સન્માન માટે યોજવામાં આવી હતી અને રપ જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘પદ્માવત’ને રોકવામાં આવે નહીંતર રાજપૂત સ્ત્રીઓ ર૪ જાન્યુઆરીના દિવસે જૌહર કરશે. ભાજપ-શાસિત ચાર રાજ્યોએ આ ફિલ્મના રિલીઝ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ આ ફિલ્મને ભારતીય સેન્સર બોર્ડ દ્વારા કેટલાક ફેરફાર કરીને અને તેનું નામ બદલીને રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ ઉપરાંત સુપ્રીમકોર્ટે પણ ગયા અઠવાડિયામાં આપેલા આદેશમાં આ ફિલ્મની રીલીઝ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. આ ફિલ્મ અંદાજિત ર૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. અક્ષયકુમારે પણ પોતાની ફિલ્મ ‘પેડમેન’ની રીલીઝને મોકૂફ રાખી કે જેથી ભણસાલીને આર્થિક નુકસાન ન થાય. રાજપૂત કરણી સેનાના પ્રવકતા વિજેન્દ્રસિંહે કહ્યું હતું કે, અમારું સંગઠન સિનેમા ગૃહોના માલિકોને મળીને વિનંતી કરશે કે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ ન દેખાડે. રવિવારના દિવસે અમે ૧૦૦ સિનેમા ગૃહોનો નેશનલ કેપિટલ રીજન ખાતે સંપર્ક કર્યો હતો અને તેઓએ અમને લેખિતમાં ખાતરી આપી હતી કે તેઓ આ ફિલ્મને રીલીઝ નહીં કરે. આ ઉપરાંત તેમણે ધમકી આપી હતી કે જે સિનેમા ગૃહ આ ફિલ્મને દેખાડશે તે તેના પરિણામ માટે જવાબદાર હશે. અમદાવાદ, ફરીદાબાદ અને વલ્લભગઢમાં કેટલાક સિનેમા ગૃહો આ ફિલ્મ માટે અગાઉથી બુકિંગ કરી રહ્યા છે. તેઓને સમુદાયના આક્રોશનો ભોગ બનવું પડશે. તેમણે કહ્યું હતું કે, કરણી સેના દ્વારા રપ જાન્યુઆરીએ ફિલ્મની રીલીઝના વિરોધમાં એલાન આપવામાં આવ્યું છે.