પદ્માવતને દેખાડનારા સિનેમાઘરો પરિણામ ભોગવવા પણ તૈયાર રહે : કરણી સેનાની ધમકી
(એજન્સી) દેવાસ, તા. ૨૨
પદ્માવત ફિલ્મના રિલીઝ અંગે સોમવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા,ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં પ્રદર્શનો થયા હતા. ઉત્તરપ્રદેશમાં ૨૦૦ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજીતરફ મધ્યપ્રદેશના ભોપાલ તથા ઇન્દોરમાં તોડફોડની ઘટનાઓ બની હતી. રાજસ્થાન અને જયપુરમાં પણ કરણી સેનાના લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. ઉલ્લેખનીય છેકે, આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થશે.
ઇન્દોરમાં કરણી સેનાના લોકો માર્ગો પર ઉતરી આવી ટાયરો બાળ્યા હતા તથા માર્ગો બ્લોક કર્યા હતા. આ દરમિયાન ઇન્દોરથી ગુજરાત જતી બસોને રોકી દેવામાં આવી હતી અને સેનાના લોકોએ કેટલાક મોલમાં પણ તોડફોડ કરી થિયેટરોના પોસ્ટરો ફાડ્યા હતા. ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં વિવિધ વિસ્તારોમાં પ્રદર્શનો યોજાયા હતા જેમાં કેટલાક લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નોઇડા, ગ્રેટર નોઇડા તથા ગાઝિયાબાદના કેટલાક વિસ્તારોમાં પણ પ્રદર્શનો થયા હતા. દરમિયાન ઘણા સ્થળોએ તોડફોડના દૃશ્યો સર્જાયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે, જો સિનેમાઘરોના માલિકો ફિલ્મને ન દેખાડે તો સારૂ પરંતુ જો કોઇ તેને દેખાડવા માગશે તો રાજ્ય સરકાર તેને સલામતી પૂરી પાડશે. અમે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીશું. કરણી સેનાના લોકેન્દ્રસિંહે કહ્યું છે કે, ફિલ્મના વિરોધમાં જનતા જ કર્ફ્યું લગાવી દે અને કોઇ જોવા ન જાય. બીજી તરફ જયપુર, ભીલવાડા સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં દેખાવો થયા હતા. કરણી સેનાએ કહ્યું છે કે, અમને વિશ્વાસ છે કે, જયપુરમાં કોઇ સિનેમાઘરો પદ્માવતને રિલીઝ કરશે નહીં. જો કોઇ એવું કરે તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહે.
પદ્માવત ફિલ્મની રિલીઝનો વિરોધ કરતા કરણી સેનાએ સોમવારે મધ્યપ્રદેશના કેટલાક માર્ગો અવરોધ્યા હતા. રાજપૂત સમાજના સંગઠન કરણી સેનાએ ઉજ્જૈનથી નાગડા, દેવાસથી માકસી અને અગરથી કોટા સાથે સાકળતા માર્ગોને અવરોધવા માટે ટાયરો સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. સંજય લીલા ભણસાલીની ફિલ્મ આગામી ૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. અહીં એસપી સચિન અતુલકરે જણાવ્યું છે કે, તંત્રએ દેખાવકારોને કાયદો હાથમાં ન લેવા જણાવ્યું છે. દેખાવકારો પાસેથી આવેદનપત્ર સ્વીકાર્યા બાદ અમે માર્ગો ફરી કાર્યરત કરી દીધા છે. એવા પણ અહેવાલો મળ્યા હતા કે, અગર-કોટા રોડ પર દેખાવકારોએ પથ્થરમારો કરી વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો છે. જોકે, એસપીએ આ અહેવાલેનો રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું કે, માર્ગો પર નાના અવરોધો મુકાયા હતા. જો દેખાવકારો કાયદો અને વ્યવસ્થા હાથમાં લેશે તો અમે આકરા પગલાં ભરીશંું.