અમદાવાદ, તા.ર૪ : રાજ્યના પોલીસ મહાનિર્દેશક પ્રમોદકુમારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની અને રાજ્ય સરકારે લીધેલા પગલાંની વિગતો આપતા જણાવ્યું હતું કે તોફાની તત્ત્વો સામે અત્યાર સુધીમાં કુલ પ૪ ગુના નોંધીને ૧૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વીડિયોગ્રાફના ફુટેજ અને સીસીટીવીમાં ઝીલાયેલા દૃશ્યોના આધારે તોફાની તત્ત્વો સુધી પહોંચી રહી છે. અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ લોકોને ડીટેઈન કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.રપમી જાન્યુઆરીએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગુજરાતની શાંતિ ન જોખમાય તેમજ જનજીવન રાબેતા મુજબ રહે તે હેતુથી ગૃહ વિભાગે પૂરતી તકેદારી રાખી છે. પ્રમોદકુમારે જણાવ્યું હતું કે આઈજી અને ડીઆઈજી કક્ષાના ૬ ઉચ્ચ અધિકારીને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ર૦ ડીવાયએસપી, ૪૧ પોલીસ ઇન્સ્પેક્ટર અને ૧પ૦થી વધુ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ૯ હજારથી વધુ લોકરક્ષક દળ અને ૧૦ હજારથી વધુ હોમગાર્ડ સંવેદનશીલ વિસ્તારોમાં ખડેપગે પણ રહેશે. પ્રમોદકુમારે વધુમાં જણાવ્યું હતું કે આગોતરા પગલાં તરીકે રાજ્યમાં અર્ધ લશ્કરી દળોની મદદ પણ લેવામાં આવી છે. બીએસએફની ૬ કંપનીઓ અને રેપીડ એકશન ફોર્સની ૯ કંપનીઓ તથા સીમા સુરક્ષા દળની ૧ કંપનીની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત એસઆરપીની ૯ કંપનીઓ તેનાત કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ પેટ્રોલીંગ માટે વધારાના ૬ર૪ વાહનો રેક્વિજિટ કરવામાં આવ્યા છે. હાલમાં પેટ્રોલિંગ માટે ૮૭૩ વાહનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. પ્રમોદકુમારે જણાવ્યું હતું કે પેટ્રોલીંગ વાહનોમાં વીડિયોગ્રાફર પણ રાખવામાં આવ્યા છે, જેથી તોફાની તત્ત્વોને ઓળખી શકાય. રાજ્યમાં આ ફિલ્મના પ્રદર્શનના વિરોધ સંબંધમાં દેખાવો, રેલીઓ, સભાઓ થયેલી છે. તેમજ વિવિધ સ્થળોએ જાહેર રસ્તાઓ ઉપર ચક્કાજામ કરી વાહન વ્યવહારને સ્થગિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. દેખાવો દરમિયાન કુલ ર૧ એસટી/બીઆરટીએસ/એએમટીએસ બસોને સળગાવીને તોડફોડ કરીને નુકસાન કરવામાં આવ્યું છે. પ્રમોદકુમારે વધુમાં ઉમેર્યું કે ગઈકાલે તા.ર૩મી જાન્યુઆરીની રાત્રે અમદાવાદમાં જે બનાવો બન્યા તે ઘણા કમનસીબ છે. પરંતુ પોલીસની સમયસૂચકતા અને સજાગતાને કારણે ગંભીર ઘટનાઓ બનતી અટકાવી શકાય છે. અમદાવાદના વિવિધ મોલ પર તેનાત પોલીસ ફોર્સને કારણે તોફાની તત્ત્વો મોલમાં પ્રવેશી શક્યા ન હતા. એટલું જ નહીં ર૮ જેટલા તોફાની તત્ત્વોને સ્થળ પરથી જ પકડી શકાયા હતા. આવતીકાલે રાજ્યમાં શાંતિ જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગૃહ વિભાગે વ્યુહાત્મક કામગીરી કરીને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આજે અમદાવાદ અને સંવેદનશીલ શહેરોમાં અર્ધ લશ્કરી દળોએ ફ્લેગમાર્ચ પણ કરી હતી.