(એજન્સી) મુંબઈ, તા.૧૯
ફિલ્મ રિલીઝના એક સપ્તાહ પહેલા શ્રી રાજપૂત કરણી સેનાએ લોકોને ફિલ્મ પદ્માવતનું સ્ક્રીનિંગ અટકાવવા માટે સમગ્ર દેશમાં આવેલા સિનેમા ઘરોમાં કરફ્યુ મૂકવાની વિનંંતી કરી. કરણી સેનાનું આ નિવેદન સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મના પ્રતિબંધને રદ કરીને સિનેમા ઘરોમાં સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યાના બીજા દિવસે આવ્યું છે. લોકેન્દ્ર કાલવી કે જેઓ સેનાના અધ્યક્ષ છે તેમણે દાવો કર્યો હતો કે ભલે મારી ધરપકડ કરવામાં આવે કે પછી મને મારી નાખવામાં આવે પરંતુ હું આ ફિલ્મનો વિરોધ તો કરીશ જ. ઉપરાંત તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હું આદર કરૂં છું. કોર્ટે દરેક પક્ષોના અભિપ્રાયોને ધ્યાને રાખીને જ આ નિર્ણય લીધો હશે. પરંતુ જનતાના અભિપ્રાયની કોર્ટ એ દેશની સૌથી મોટી કોર્ટ છે અને અમે છેલ્લા ૬ મહિનાથી તેના દ્વાર ખખડાવી રહ્યાં છીએ. સંજય લીલા ભણસાલીએ બનાવેલી આ ફિલ્મ સમુદાયોનું વિભાજન કરનારી છે. તે અમારી લાગણીઓ અને ક્રોધમાંથી નફો મેળવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે રપ જાન્યુઆરી આવશે અને જતી પણ રહેશે પરંતુ ફિલ્મ રિલીઝ નહીં થાય કેટલા લોકોને એવી ખાતરી છે કે ફિલ્મ રિલીઝ થશે ? અને જો ફિલ્મ રિલીઝ થશે તો એ માત્ર સિનેમા ઘરના માલિકોના સહકારની મદદથી જ શક્ય બનશે.