(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
ફરહાન અખ્તરે પદ્માવતી વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દુર્ભાગ્યપણે આપણે પોતાને પણ દોષ આપવો જોઈએ. માત્ર અન્ય તરફ આંગળીઓ ન કરવી જોઈએ. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)માંથી બે પ્રાદેશિક ફિલ્મોને પાછી ખેંચી લેવાઈ છે. જેમાં મરાઠી ફિલ્મ ‘ન્યૂડ’ અને મલાયલી ફિલ્મ ‘એસ દુર્ગા’નો સમાવેશ થાય છે. આ મુદ્દાને પણ ધ્યાનમાં રાખતા ફરહાને કહ્યું કે, પોતાની ફિલ્મ રજૂ થવાની હોય ત્યારે બધા ભયભીત થાય છે. આ એક નાનકડી ઈન્ડસ્ટ્રી છે જેમાં ઘણા બધા લોકો નથી. જો તેઓ એક સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સાથે નહીં આવે તો અન્ય કોઈ તેમના માટે આ નહીં કરે.
ફરહાને પોતાની વાત રજૂ કરતાં કહ્યું કે, આ માત્ર તે બે પ્રાદેશિક ફિલ્મો અથવા માત્ર પદ્માવતી વિશે નથી. ભૂતકાળમાં ઘણી ફિલ્મો સાથે આ થયું છે. હું કોઈપણ વસ્તુના પ્રતિબંધના વિરોધમાં છું. હું ખરેખર માનું છું કે, આપણે પ્રેક્ષકો સાથે બાળકોની જેમ વ્યવહાર ન કરવો જોઈએ. તેમને વિકસવાની તક આપવી જોઈએ. ફિલ્મ નિર્દેશકોને મળતી ધમકીઓ અને ફિલ્મના વિરોધમાં થતી હિંસા અંગે ટિપ્પણી આપતા કહ્યું કે, સિનેમાનો એવો કોઈ નિયમ નથી કે કોઈ ફિલ્મ બની હોય તેને તમારે જઈને જોવી જ પડે. તમને ફિલ્મનો બહિષ્કાર કરવાની સ્વતંત્રતા છે. પરંતુ અન્ય વ્યક્તિને ધમકી આપવાની અથવા કોઈનું સિનેમા ગૃહ તોડવાની કે અન્ય કોઈપણ પ્રકારનું નુકસાન કરવાની સ્વતંત્રતા નથી.