નવી દિલ્હી, તા. ૧૮
ઇન્ડિયા ટુડે કોન્કલેવ સાઉથ ૨૦૧૮માં ભાગ લેતા અભિનેતા પ્રકાશ રાજ અને વિશાલ, ફિલ્મમેકર એસકે સસીધરન અને દલિત કાર્યકર કાંચા ઇલૈય્યાહે પદ્માવત વિવાદ, ગૌરી લંકેશ હત્યા અને ફિલ્મ એસ દુર્ગા સહિતના મુદ્દાઓ પર ભાજપ અને મોદી સરકાર પર આકરા ચાબખાં માર્યા હતા. પ્રકાશ રાજે કહ્યું કે, જે રાજ્ય સરકારોએ કાયદો અને વ્યવસ્થાના બહાને પદ્માવત પર પ્રતિબંધ લગાવ્યો છે તેમણે સત્તા છોડી દેવી જોઇએ અને તેઓ સત્તા ન છોડે તો અમે લોકો તેમની વિરૂદ્ધ મતદાન કરીશું. વિવાદ બાદ શશીધરનની એસ દુર્ગા ફિલ્મનું નામ બદલવા અંગે ફિલ્મમેકરે કહ્યું કે, ફિલ્મ ધર્મ આધારિત નથી. તેમણે ફિલ્મના નામનો બચાવ કરતા કહ્યું કે, આનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાતી નથી. પદ્માવત વિવાદ અંગે પ્રકાશ રાજે કહ્યું કે, તેઓ રાજપુતોના સ્વમાનની વાત કરે છે તો હું રાજસ્થાનના રાજપૂતો સાથે છું પરંતુ ગુજરાતના લોકોને શું વાંધો પડ્યો ? હરિયાણાના લોકોને શું વાંધો છે ? અન્ય ધર્મો અંગે કેમ ફિલ્મો બનાવતા નથી તેવા સવાલના જવાબમાં શશીધરને કહ્યું કે, જો આવી ફિલ્મ મેં બનાવી હોય તો તેનો જવાબ આપું પરંતુ મેં ધર્મ આધારિત ફિલ્મ બનાવી જ નથી. દલિત કાર્યકર કાંચા ઇલૈય્યાહે મોદી સરકાર પર કોમવાદી રાજકારણરમવાનો આરોપ મુકતા કહ્યું કે, મોદી સરકારે ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું પરંતુ તે દેશમાં કોઇપણ મંદિરમા પુજારી બનવાનો અધિકાર દલિત સહિત તમામ હિંદુઓને આપવાની દાદ માગતી સુપ્રીમ કોર્ટમાં રહેલી અરજીઓનું સમર્થન કરતી નથી.