ડીસા, તા.૧૦
સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતી રિલીઝ કરવા સામે દેશભરમાં થયેલા વિરોધ વંટોળ બાદ સરકારે ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે ફિલ્મનું ઘુમ્મર નૃત્ય હાલમાં ધૂમ મચાવી રહ્યું છે ત્યારે આગામી પ્રજાસત્તાક દિન પર્વે શાળા-કોલેજો અને ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસ્કૃતિક પોગ્રામ રૂપે ઘુમ્મર ગીત ઉપર નૃત્ય કે ડાન્સ પ્રસિદ્ધ કરવા સામે કરણી સેનાએ રેલી યોજી વિરોધ દર્શાવી ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને જ્યાં કોઈ કાર્યક્રમમાં ઘુમ્મર નૃત્ય પ્રસિદ્ધ થશે તો હંગામો કરી આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. ડીસા ખાતે કરણીસેના દ્વારા જાગીરદાર ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી કિશનસિંહ વાઘેલા, કરણી સેનાના પ્રમુખ રામસિંહ વાઘેલાની આગેવાની હેઠળ રેલી યોજી નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણી દુભાઇ હોવાથી ફિલ્મનું ઘુમ્મર નૃત્ય કોઈપણ પ્રકારના કાર્યક્રમોમાં રજૂ થવું જોઈએ નહીં. ખાસ કરીને પ્રજાસત્તાક દિને યોજાતા કાર્યક્રમોમાં શાળા-કોલેજો અને અન્ય જગ્યાના ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્વરૂપે ઘુમ્મર નૃત્ય પ્રદર્શિત થવાની સંભાવના હોઇ તમામ શાળા-કોલેજોને જાણ કરવી જરૂરી છે.