અમદાવાદ, તા.૨
પદ્માવત ફિલ્મના ભારે વિરોધ અને દેશભરમાં મચેલા ઉહાપોહ બાદ હવે ગુજરાતમાં વિધિવત્‌ રીતે આ ફિલ્મ ગુજરાત રાજયમાં રિલીઝ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી રિટ અરજી આજે અચાનક નાટયાત્મક રીતે પાછી ખેંચી લેવામાં આવી હતી. ફિલ્મ રિલીઝના તમામ હક્કો ધરાવતી વાયકોમ કંપની દ્વારા કરાયેલી આ રિટ અરજીમાં ગઇકાલે ખુદ અરજદારપક્ષ દ્વારા સમયની માંગણી કરી મુદત માંગવામાં આવતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૭મી ફેબ્રુઆરી પર મુકરર કરી હતી અને આજે ફરી અરજદારપક્ષ દ્વારા તેમની પિટિશન પાછી ખેંચવાની હાઇકોર્ટ પાસે પરમીશન મંગાઇ હતી, જેથી હાઇકોર્ટે તેમને રિટ પરત ખેંચવા મંજૂરી આપી હતી. પદ્માવત ફિલ્મની સામે રાજપૂત સમાજ અને કરણી સેનાના દેશભરના ઉગ્ર વિરોધ અને આંદોલનો બાદ પરિસ્થિતિ વણસી હતી. પદ્માવત ફિલ્મને લઇ સુપ્રીમકોર્ટમાં થયેલી પિટિશનમાં પણ સુપ્રીમકોર્ટે આ ફિલ્મની રિલીઝ માટે લીલીઝંડી આપી હતી. જો કે, સુપ્રીમકોર્ટે લીલીઝંડી આપ્યા બાદ પણ રાજપૂત સમાજ અને કરણી સેનાનો ફિલ્મ પદ્માવત ફિલ્મની રિલીઝના બે દિવસ પહેલાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આગચંપી અને તોડફોડના છૂટાછવાયા બનાવો બન્યા હતા. જેમાં ૧૦૧ વાહનો તોફાની ટોળા દ્વારા સળગાવી દેવામાં આવ્યા હતા. જેને લઇ અમદાવાદ સહિત રાજયના મોટાભાગના સ્થળોએ પદ્માવત ફિલ્મની રિલીઝ અટવાઇ પડી હતી. પદ્માવત્‌ ફિલ્મને લઇ આ હિંસક બનાવો બાદ હવે ગુજરાત રાજયમાં આ ફિલ્મને રિલીઝ કરાવવા માટે વાયકોમ કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં બંધારણીય અધિકારને આગળ ધરી ફિલ્મની રિલીઝ કરાવવા અને સાથે સાથે પ્રજાના જાન-માલની સુરક્ષાને લઇ મલ્ટિપ્લેક્સ થિયેટરો સહિતના થિયેટરો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરાવવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી પરંતુ હવે અરજદારપક્ષ દ્વારા રિટ પાછી ખેંચી લેવાતા કાનૂની વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે. જો કે, હાઇકોર્ટે ફરી કોઇ પ્રશ્ન ઉભો થાય તો અરજી કરવાની અરજદારપક્ષને સ્વતંત્રતા આપી હતી.