(એજન્સી) મુંબઇ, તા. ૨૦
ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી નામ બદલીને ૨૫મી જાન્યુઆરીએ પદ્માવત નામ સાથે રિલીઝ થઇ શકે છે પરંતુ તેનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. કટ્ટરવાદી સંગઠન રાજપૂત કરણી સેનાએ ફિલ્મમાં ઇતિહાસસાથે ચેડાં કરાયા હોવાનો આક્ષેપ મુકી કહ્યું છે કે, ફિલ્મમાં તુર્કીના શાસક અલાઉદ્દીન ખિલજી (રણવીરસિંહ) સાથે રાણી પદ્મીની (દીપીકા પાદુકોણ)ના પ્રણય દૃશ્યો છે જેની સામે વિરોધ છે. જોકે, ભણસાલીએ ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે, ફિલ્મમાં આ પ્રકારના કોઇ દૃશ્યો ભજવાયા નથી અને કરણી સેનાએ ફિલ્મ જોવા ઇન્કાર કરી દીધો છે. જોકે, કરણી સેનાએ તો ફિલ્મ પર દેશવ્યાપી પ્રતિબંધ મુકવાના પ્રયાસો કર્યા છે. ફિલ્મ રીલીઝ થશે તો દીપીકા અને ભણસાલીનું શેરીઓમાં જોહર કરવાની ધમકી આપતા કરણી સેનાએ પોતાના નિર્ણયથી પરત ફરવાનો ઇન્કાર કર્યો છે અને ફિલ્મ રીલીઝ થશે તો હિંસા કરવાની ધમકી પણ ઉચ્ચારી છે. સુપ્રીમ કોર્ટે ભાજપ શાસિત ચાર રાજ્યો હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને ગુજરાતમાંથી ફિલ્મ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. જોકે, કરણી સેનાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણમાનવાનો ઇન્કાર કરતા હિંસાની ધમકી ઉચ્ચારી છે. દરમિયાન શનિવારે કરણી સેનાએ ફિલ્મની રીલીઝના દિવસે એટલે કે, ૨૫મી જાન્યુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. સેનાએ અંબાલામાં વિરોધ પ્રદર્શન કરતા કહ્યું છે કે, જે સિનેમાઘરોમાં ફિલ્મ દર્શાવાશે તેને બાળી નાખવામાં આવશે. ફિલ્મની રીલીઝના દિવસે કરણી સેનાનો અધ્યક્ષ લોકેન્દ્રસિંહ બંધને અસરકારક બનાવવા મુંબઇમાં રોકાશે.