(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
ગુરૂગ્રામની સ્કૂલ બસ પર હુમલો કરનાર કરણી સેના સભ્યોને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. આ કેસમાં ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંના ૧૧ આરોપીઓને ૧૪ દિવસની પોલીસ કસ્ટડીમા મોકલી આપવામાં આવ્યાં છે. ૭ પ્રદર્શનકારીઓ સગીર વયના છે. આ સાત આરોપીઓને જુવનાઈલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ભાજપના નેતા સુરજપાલ આમુની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતાં હરિયાણાના ડીજીપી બીએસ સંધુએ કહ્યું કે શાળાની બસ પર હુમલો કરવા બદલ અને હરિયાણા રોડવેઝની બસને આગ ચાંપનાર ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. શાળાની એક બસ પર હુમલો થયાં બાદ આ વિસ્તારની મોટાભાગની શાળાઓને બંધ રાખવામાં આવી. પોલીસે આ ઘટનાના સંબંધમાં ૨૪ લોકોની ધરપકડ કરી છે.ગુરૂગ્રામની સ્કૂલ બસ પરના હુમલાના મુદ્દે આક્રોશ અને ચુસ્ત સુરક્ષાની વચ્ચે રાજપૂત જૂથોએ પદ્માવત રીલિઝ પર ભારે ઉત્પાત મચાવવાનું ચાલુ રાખ્યું હતું. યુપી અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ રસ્તાઓ જામ કરીને રેલીઓ કરી હતી. હરિયાણામાં દેખાવકારો ગાંડા બન્યા હતા, પોલીસ સાથે ઝપાઝપી ઉતર્યાં, વાહનો બાળી નાખ્યાં તથા મોલમાં તોડફોડ કરી. આ કેસની સોમવારે સુનાવણી થવાની છે. ગુરૂગ્રામની સ્કૂલ બસ પર હુમલો કરનાર ૧૮ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી. કરણી સેનાએ તેના સમર્થકોને પદ્માવત રીલિઝને ખોરવી નાખવાની ધમકી આપી હોવાથી ઘણા રાજ્યોમાં પોલીસ સતર્ક છે.