(એજન્સી) લંડન, તા. ૫
એક મહિના પહેલા વાઇરલ થયેલા પત્રએ પુરોપિય તથા અમેરિકી દેશોમાં હાહાકાર મચાવી દીધો હતો. આ પત્ર ત્રીજી એપ્રિલે ‘પનિશ એ મુસ્લિમ ડે’ મનાવવાના રૂપમાં ફેલાવાયો હતો. જેમાં લોકોને મુસ્લિમનો વિરૂદ્ધ હિંસા ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ દિવસને મનાવવાના ભાગરૂપે લોકોએ કોઇપણ મુસ્લિમને કોઇપણ રીતે સજા કરવા માટે પોઇન્ટ આપવામાં આવ્યા હતા. જોકે, આ દેશોમાં મુસ્લિમોને વહીવટીતંત્રે પત્રના ભયને જોઇ પૂરતી સુરક્ષા આપવામાં આવી હતી. ન્યૂયોર્ક પોલીસે મસ્જિદો પાસે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તમામ મસ્જિદોને સુરક્ષા આપવામાં આવી હતી. બીજી તરફ મુસ્લિમ સમુદાયમાં આ પત્રને કારણે ભય ફેલાયો હતો. ઘણા દિગ્ગજોએ એમ પણ કહ્યું કે, આ એક મોટો ખતરો છે પરંતુ તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. એક તરફ સોશિયલ મીડિયા પર મુસ્લિમોના સમર્થનમાં લોકો આવ્યા હતા જ્યારે બીજી તરફ ન્યૂયોર્કના મુસ્લિમ સમુદાય માટે એકજૂટતા દેખાડવા માટે બ્રુકલિન બોરો, એરિક એલ એડમ્સ જેવા શહેરના અધિકારીઓ માર્ગો પર ઉતરી આવ્યા હતા. જોકે, મંગળવારના દિવસ સુધી તો ‘લવ એ મુસ્લિમ ડે’ સોશિયલ મીડિયા પર ચાલુ થઇ ગયું હતું અને ઘણા અમેરિકન દિગ્ગજોએ પત્રને ઘૃણાસ્પદ ગણાવી મુસ્લિમોને પ્રેમ કરવાના સોશિયલ મીડિયા પર ફરતા મેસેજને સમર્થન કર્યું હતું.