(એજન્સી) તા.૧૦
ઈસ્લામિક ક્રાંતિના વરિષ્ઠ નેતાએ પયગમ્બરે ઈસ્લામ મોહમ્મદ (સ.અ.વ.)નું અપમાન કરવા બદલ ફ્રાન્સના મેગેઝીનની સખ્ત શબ્દોમાં નિંદા કરી હતી. આયાતોલ્લાહ ઉજમા સૈયદ અલી ખામેનેઈએ એક સંદેશ બહાર પાડી કહ્યું હતું કે, ‘ફ્રાન્સની મેગેઝીને પયગમ્બરે ઈસ્લામ (સ.અ.વ.)નું અપમાન કરી ફરી એકવાર ઈસ્લામ અને મુસ્લિમ સમુદાય સામે પશ્ચિમી જગતના રાજકીય અને સાંસ્કૃતિક દ્વેષ તેમજ દુશ્મનાવટને જાહેર કરી છે.’ તેમણે આગળ કહ્યું હતું કે, આ અક્ષમ્ય અપરાધની ટીકા ન કરવા માટે ફ્રાન્સના નેતાઓએ આગળ ધરેલું અભિવ્યકિતની સ્વતંત્રતાનું બહાનું સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને ખોટું છે. ઈસ્લામિક ક્રાંતિના વરિષ્ઠ નેતાએ તેમના સંદેશમાં કહ્યું હતું કે, આ પ્રકારની દુશ્મનાવટ પાછળ યહુદી અને સામ્રાજયવાદી સરકારોની ઈસ્લામ વિરોધી નીતિઓ જવાબદાર છે. આ કૃત્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ અમેરિકા તેમજ ઈઝરાયેલ દ્વારા તૈયાર કરવામાં આવેલા શર્મનાક ષડયંત્રો પરથી વિશ્વનું ધ્યાન બીજે દોરવાનું છે. ખામેનેઈએ કહ્યું હતું કે, મુસ્લિમ રાષ્ટ્રો અને ખાસ કરીને પશ્ચિમ એશિયાના દેશોએ આ પ્રકારના સંવેદનશીલ મુદ્દાઓ પર સચેત રહી ઈસ્લામ અને મુસ્લિમો પ્રત્યે પશ્ચિમી જગતના નેતાઓ અને રાજદ્વારીઓની દુશ્મનીને ધ્યાનમાં રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સની અરાજકતાવાદી મેગેઝીન ‘શાર્લી હેબ્દો’એ ગયા મંગળવારે ફરીવાર પયગમ્બરે ઈસ્લામના અપમાનજનક કાર્ટૂનો પ્રકાશિત કરી વિવાદ ઊભો કર્યો હતો.