ભૂજ, તા. ૧પ
માંડવીમાં ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર વિરૂદ્ધ અભદ્ર લખાણ વોટ્‌સએપ મારફત ગ્રુપમાં મૂકનાર સામે તાત્કાલિક “પાસા” કરવા કોંગ્રેસ અગ્રણી જુમા રાયમાએ માગણી કરી છે.
જિલ્લા પોલીસ વડાને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, ગત તા. ૧૩/૬/૧૮ના રોજ માંડવીના પદમપર ગામના મોહન સંધાણીએ ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર સાહેબ (સ.અ.વ.) વિશે અભદ્રલખાણ લખી ને સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. રમઝાન મહિનો પૂરો થઈ રહ્યો છે. ઈદનો તહેવાર છે. ત્યારે કચ્છની શાંતીને ડહોળવાના પ્રયાસ પાછળ એક “ટોળકી” કાર્ય કરી રહી છે. જે પડદા પાછળ રહી કચ્છની શાંતિમાં પલીતો ચાંપવાનું કાર્ય કરે છે. જે અંગે પોલીસ તંત્રએ જાહેરાત કરી છે તે મુજબ સોશિયલ સાઈડનો જે દુરઉપયોગ કરશે તેની સામે પાસાની કાર્યવાહી થશે. તો પોલીસ ફક્ત જાહેરાત જ કરશે ? કે આ બાબતે અમલવારી કરી ખાખીની ધાક બતાવશે ? આવા બનાવોને ડામવાની પોલીસમાં વૃત્તિ હોય તો આવા તત્ત્વો સામે તાત્કાલિક પાસાની કાર્યવાહી થવી જોઈએ નહીં તો એક અવિશ્વાસ પોલીસ તંત્ર પ્રત્યે થશે કે, ક્યાંક પોલીસ જ પડદા પાછળ આવા તત્ત્વોને છાવરવાનો પ્રયાસ નથી કરતી ને ? ત્યારે તાત્કાલિક આવા તત્ત્વોને સામે કડક કાર્યવાહી કરવા માગણી કરી છે.