(એજન્સી) નવી દિલ્હી, તા.રર
કોંગ્રેસે જાતિ કાર્ડ ખેલતા ઉત્તરપ્રદેશના પાર્ટી પ્રમુખ પદેથી રાજ બબ્બરને દૂર કરી બ્રાહ્મણ નેતાને આ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું છે. એક અહેવાલ મુજબ રાજ્યની ગોરખપુર તથા ફૂલપુર બેઠક પર પરાજય બાદ રાજ બબ્બરે નૈતિક જવાબદારી સ્વીકારતા પ્રમુખ પદેથી પોતાનું રાજીનામું કોંગ્રેસ મોવડીમંડળને સોંપી દીધું હતુંં. જો કે, બીજીતરફ રાજ બબ્બરે અન્ય એક અહેવાલમાં પોતાના રાજીનામાની વાતને ખોટી ગણાવી હતી. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ પણ આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ બબ્બરે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું છે. એવી શક્યતા છે કે, ર૦૧૯ની લોકસભા ચૂંટણી રાજ બબ્બર ફતેહપુર સિક્રીથી લડશે અને તેઓ પક્ષ માટે અસરકારક પ્રચાર પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કોંગ્રેસને વિનંતી કરી હતી કે, ગોરખપુર અને ફુલપુર બેઠકથી સાથે ચૂંટણી લડવામાં આવે. છતાં કોંગ્રેસે આ પ્રસ્તાવ ઠુકરાવી બંને બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાર્ટી ઉત્તરપ્રદેશની કમાન બ્રાહ્મણ નેતાને સોંપવા માંગે છે. જેથી કોંગ્રેસ પાર્ટીનું પરંપરાગત સમર્થન મેળવી શકે. ર૦૧૯ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખી. આ ક્વાયત હાથ ધરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં બ્રાહ્મણ મતદારોની સંખ્યા ૧ર ટકા જેટલી છે. જેઓ હાલ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી નારાજ ચાલી રહ્યા છે. કેમ કે હાલ યોગી માત્ર ઠાકુર સમાજને જ વધુ મહત્ત્વ આપી રહ્યા છે. ઉપરાંત ઉત્તરપ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદને પણ બદલવામાં આવશે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશને ચાર ઝોનમાં વહેંચી ચૂંટણી તૈયાર કરશે. પ્રમોદ તિવારીનું નામ આ પદ માટે વધુ ચર્ચાઈ રહ્યું છે.