વડોદરા, તા.૧૪
હરિયાણા, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાંથી મોંઘીદાટ ગાડીઓ ચોરી લીધા બાદ અડધી કિંમતમાં વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસે વડોદરાના એક શખ્સને ઝડપી લઈ તપાસ માટે વડોદરા આવતા વડોદરા પોલીસે તપાસ કરી હતી. તપાસમાં આ શખ્સે વડોદરામાં અને ગુજરાતમાં ચોરેલી આઠ કાર વેચી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ૧.૮૮ કરોડની મોંઘીદાટ કાર કબજે કરી તપાસ શરૂ કરી હતી.
દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે મોંઘીદાટ લક્ઝુરિયસ કારની ચોરી કરી બોગસ દસ્તાવેજોના આધારે વેચી દેવાના કૌભાંડમાં અકોટાના તરૂણ નાથાણીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ વિશે દિલ્હી પોલીસે વડોદરા પોલીસને જાણ કરતા તપાસમાં જાણ થઈ હતી કે અકોટાના તરૂણ નાથાણી પાસે છેલ્લા ઘણા સમયથી અવારનવાર લક્ઝુરિયસ કાર આવતી હતી ને થોડા દિવસમાં આ કાર તે વેચી દેતો હતો. જેથી પોલીસે તપાસ કરીને આઠ લક્ઝુરિયસ કાર કબજે કરી હતી. જેમાં ૨ ફોર્ચ્યુનર કાર, ઈનોવા ક્રિસ્ટા, એન્દેેવેયર, હ્યુન્ડાઈ ક્રેટા, હોન્ડા સિટી અને આઈ ટ્‌વેન્ટી કાર મળી ૧.૮૮ કરોડની કાર કબજે કરી હતી. તરૂણ નાથાણીએ વારસિયા રિંગ રોડ પર રહેતા યશ વિષ્ણુ કુકરેજાને ૨૦૧૯માં ૨૦ લાખની સેકન્ડ હેન્ડ ફોર્ચ્યુનર કાર વેચી હતી અને તેને બોગસ આરસી બુક, વીમા પોલિસી, એનઓસી લેટર વગેરે આપ્યા હતા. યશ કુક્રેજાએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગત ૭ તારીખે પોસીબી પોલીસે તેને ઓફિસમાં બોલાવતા ત્યાં દિલ્હી પોલીસ તરૂણ નાથાણીને એરેસ્ટ કરી રિમાન્ડ મેળવી તપાસ માટે વડોદરા આવી હોવાનું જોવા મળ્યું હતું અને ત્યારબાદ તેમને જાણવા મળ્યું હતું કે તરૂણ લાખાણી ગુડ્ડુ અન્સારી અને શકીલ ભેગા મળીને ચોરીની ગાડીઓ બોગસ દસ્તાવેજોના આધારે વેચી દેતા હતા. તેમને જાણવા મળ્યું હતું કે આ ટોળકીએ સુરજીત પ્રસાદ પોલ, અમિત ગોપાલ કુકરેજા, નિકુંજ અશોક નાથાણી, દેવજી લાલજી વાઘેલા, વિજયસિંહ તથા મનીષ હેમંત ભટ્ટી તથા વિજયસિંહ અનુભા પઢિયાર સાથે પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે રાજસ્થાનનો શકીલ રાજસ્થાન અને દિલ્હી પંજાબ અને હરિયાણામાંથી અલગ-અલગ જગ્યાએથી લક્ઝ્‌યુરિયસ કારની ચોરી કરતો હતો અને ગુડ્ડુ અન્સારી નામના અમદાવાદના શખ્સને જાણ કરતો હતો અને ગાડીના ફોટા મોકલતો હતો ત્યારબાદ ગુડ્ડુ અન્સારી જયપુર જઈ શકીલને મળતો અને ત્યાંથી ગાડી લઈ ખોટા ડોક્યુમેન્ટ બનાવી વડોદરામાં રહેતા તરૂણ નાથાણીને આપતો હતો અને તરૂણ નાથાણી મોંઘીદાટ ગાડીઓ બોગસ ડોક્યુમેન્ટ બનાવી વેચી દેતો હતો. ફોર્ચ્યુનર કાર અને ક્રેટા કાર તથા ક્રિસ્ટા કાર દિલ્હીથી ચોરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.