(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું છે. કોંગ્રેસે ફસાયેલા મજૂરોને ઘરે પહોંચાડવા ૧૦૦૦ બસોની કરેલી વ્યવસ્થા અંગે પ્રિયંકા તથા યોગી સરકાર સામ-સામે આવી ગયા છે. રાજ્ય સરકારે આ તમામ બસોને લખનૌ મોકલવાની શરત મૂકી છે. હવે રાજ્ય સરકારે પ્રિયંકાને વધુ એક પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે, નોએડા તથા ગાઝિયાબાદ ખાતે પ૦૦-પ૦૦ બસો પહોંચાડવામાં આવે જે એનસીઆર ક્ષેત્ર હેઠળ આવે છે.
પ્રિયંકા ગાંધીના કાર્યાલયે જણાવ્યું હતું કે, યોગી સરકારનો આ નિર્ણય રાજકારણ પ્રેરિત છે. રાજ્ય સરકારે તમામ બસોના ફિટનેસ સર્ટિફિકેટ અને ડ્રાઈવિંગ લાયસન્સની પણ માંગણી કરી હતી. સંદીપ સિંહ પ્રિયંકા ગાંધીના અંગત સચિવે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના અધિકારીઓ તરફથી ઈ-મેઈલ મારફત સવારે ૧૧ઃ૪૦ કલાકે પત્ર મળ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, સવારે ૧૦ વાગ્યા સુધી લખનૌ ખાતે એક હજાર બસોને તમામ દસ્તાવેજો સાથે લખનૌ પહોંચાડવામાં આવે.