(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રના વાર્ષિક ૨૦ લાખ કરોડ રૂપિયાના બીજા ભાગની ગુરૂવારે જાહેરાત કરી હતી જેમાં પરપ્રાંતિય શ્રમિકો, ફેરિયાઓ અને નાના ખેડૂતો માટે ભોજન, આશ્રય અને આજીવિકા પર ધ્યાન કેન્દ્રીત કરવાનો પ્રયાસ કરાયો છે. તાત્કાલિક અસરથી વધારાનું અનાજ આપવાની પણ જાહેરાત કરાઇ છે. સમગ્ર દેશમાં હવે સાર્વત્રિક રાશનકાર્ડની જાહેરાત પણ કરાઇ હતી. ઉપરાંત કામના સ્થળે પરવડે તેવા ભાડાના મકાનની યોજના પણ જાહેર કરાઇ હતી. પરપ્રાંતિયોની મુશ્કેલીઓની કેન્દ્ર સરકાર અવગણના કરતી હોવાના વિપક્ષના આરોપ વચ્ચે નાણામંત્રીએ કહ્યું કે, પરપ્રાંતિયો પોતાના રાજ્યમાં ઘરે પહોંચવા માટેની સૌથી મોટી સમસ્યા છે. અમે પરપ્રાંતિયો પર ધ્યાન આપી રહ્યા છીએ. ખેડૂતો માટે મંત્રીએ કિસાન કાર્ડની જાહેરાત કરી હતી. ફેરિયાઓ અને આદિવાસીઓ માટે લોનની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, પ્રવાસી શ્રમિકોને બે મહિના સુધી મફત રાશન મળશે. આ ઉપરાંત જે લોકો પાસે રાશન કાર્ડ નથી તેઓને પરિવાર દીઠ પાંચ કિલો ચોખા, પાંચ કિલો ઘંઉ અને ચણા મફતમાં મળશે. આનાથી દેશના આઠ કરોડ લોકોને ફાયદો થશે અને આ માટે સરકારે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ કામ રાજ્ય સરકારોએ કરવું પડશે અને યોજના આગામી ૩ મહિના સુધી ચાલુ રહેશે.
૨. ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રવાસી શ્રમિકો કે જેઓ રેશનીંગ કાર્ડ ધરાવે છે તેમના માટે તેઓ દેશમાં કોઇ પણ રાજ્યની કોઇપણ રેશનીંગ દુકાનમાંથી રાશન લઇ શકે તેવી વ્યવસ્થા કરાશે. ઓગસ્ટ ૨૦૨૦થી વન નેશન- વન રેશનનો અમલ કરાશે. માર્ચ ૨૦૨૧થી પોર્ટેબીલીટી થશે.
૩. પીએમ આવાસ યોજના અંતર્ગત શહેરી સ્થળાતરિંત શ્રમિકોને શહેરોમાં રહેવા માટે ઓછા દરે મકાન ભાડેથી મળે તેવી વ્યવસ્થા કરાશે. સ્થળાતરિત શ્રમિકો માટે તેમના સરેરાશ દૈનિક વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ૧૮૨ને બદલે ૨૦૨ રૂપિયા કરવામાં આવ્યાં છે. આમ ૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
૪. જે લોકો ૬ લાખથી ૧૮ લાખ વચ્ચે કમાણી કરી રહ્યા છે તેમના માટે સબસિડીવાળા મકાનો માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. આ યોજનાને અમે હવે માર્ચ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ સુધી વધારી રહ્યા છીએ. આનો અત્યારસુધી ૩.૩ લાખ પરિવારો લાભ લઇ ચૂક્યા છે. આ એક્ટેન્શનથી વધુ ૨.૫ લાખ લોકો લાભ લઇ શકશે અને આનાથી હાઉસિંગ સેક્ટરમાં માગ વધશે.
૫. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આત્મનિર્ભર ભારત નિર્માણ અભિયાન હેઠળ ૫,૦૦૦ કરોડ રૂપિયાની સ્પેશિયલ ક્રેડિટ ફેસિલિટી આપી છે જે એક મહિનાની અંદર ચાલુ થશે. આ યોજના હેઠળ ફેરિયાઓને ૧૦,૦૦૦ રૂપિયાની લોન મળશે જેનાથી ૫૦ ફેરિયાઓ લાભ લઇ શકશે. આદિવાસી ક્ષેત્રમાં કામ માટે ૬૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવાયું છે.
૬. જે લોકો ૫૦,૦૦૦ રૂપિયા સુધીની લોન મેળવવા માગે છે તેઓ વાર્ષિક બે ટકા વ્યાજ ચુકવવું પડશે. આનાથી મુદ્રા શિશુ વર્ગમાં આશરે ૩ કરોડ લોકો લાભ લઇ શકશે.
૭. ૨૫ લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે. જેમાં ૨૫ હજાર કરોડનું ધિરાણ આપવામાં આવશે. મોદી સરકારે જ ગરીબોની ચિંતા કરી છે. લોકડાઉન લાગૂ થતાં જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સહાય આપવામાં આવી હતી. ૨૨ કરોડ ગરીબોને વીમાનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ હવે માછીમારો અને પશુપાલન કામદારો પણ મેળવી શકશે. ૨ લાખ કરોડની આ યોજનામાં વધુ ૨.૫ કરોડ ખેડૂતોને જોડવામાં આવ્યા છે. નાના અને પરપ્રાંતિય ખેડૂતો માટે વધુ ૩૦ હજાર કરોડ રૂપિયા ફાળવાયા છે જે નાબાર્ડ હેઠળના ૯૦,૦૦૦ કરોડ રૂપિયામાં સમાવાશે.
૮. મંગળવારે વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉનને પગલે ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજ માટેની જાહેરાત કરી હતી. આ પહેલા જાહેર કરાયેલા ૧.૭ લાખ કરોડ અને રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા ૫.૬ લાખ કરોડના રાહત પેકેજને સામેલ કરવામાં આવશે. બાકીના પેકેજની બે દિવસથી નિર્મલા સીતારમણ જાહેર કરી રહ્યા છે.
૯. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના રાહત પેકેજની વિપક્ષ સતત ટીકા કરી રહ્યું છે. કોંગ્રેસ, ડીએમકે અને તૃણમુલ જેવા મોટા પક્ષો પરપ્રાંતિય શ્રમિકોની મુશ્કેલીઓ નિવારવા માટેના સવાલ પૂછી રહ્યા છે.
૧૦. મોટાભાગના મજૂરો નાના બાળકો અને પરિવારો સાથે સતત હાઇવે પર ચાલતા નજરે પડે છે. કેન્દ્ર સરકારે શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી હોવા છતાં શ્રમિકોની મુશ્કેલીઓ ઓછી થતી હોય તેમ લાગતું નથી. ઘણા લોકોએ સેંકડો કિલોમીટર ચાલતા જ જવાનું નક્કી કરી લીધું છે કારણ કે તેમની પાસે ટ્રેન અથવા ટ્રકોમાં જવા માટે નાણા જ નથી.

બધા આવકવેરા રિટર્ન માટેની નિર્ધારિત તારીખ ૩૦મી નવેમ્બર સુધી લંબાવી : નાણામંત્રી નિર્મલા સીતારમણ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને બુધવારે શ્રેણીબદ્ધ ઘોષણાઓ કરી અને વડાપ્રધાન મોદી દ્વારા કોરોનાવાયરસ સંકટ સામે લડવા માટે જાહેર કરેલા રૂા. ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની વિગતો જણાવી. નાણાં પ્રધાને જાહેરાત કરી કે તમામ આવકવેરા રીટર્ન માટેની નિયત તારીખ ૩૦ નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.
૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીના પગારો વિનાની ચૂકવણીઓ માટે ટીડીએસ, ટીસીએસના દરમાં પણ ૨૫% ઘટાડો કરવામાં આવ્યો છે. નાણાં પ્રધાને જાહેરાત કરી કે આ પગલાથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા છૂટા થશે. સીતારમને પોતાનું સંબોધન શરૂ કરતાં કહ્યું કે દેશમાં વિકાસને ઉત્તેજન આપવા અને કોવિડ-૧૯ કટોકટી વચ્ચે એક ‘આત્મનિર્ભર ભારત’ બનાવવાની પહેલના રૂપે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ આપવાની જાહેરાત વડાપ્રધાને કરી છે. પોતાની શરૂઆતની ટિપ્પણીમાં તે ‘આત્મનિર્ભાર ભારત’ના મહત્ત્વ અને તે પેકેજ દેશના વિવિધ આર્થિક વર્ગને કઈ રીતે મદદ કરશે એની વિગતો આપી હતી. સીતારામને કહ્યું ‘આત્મનિર્ભાર’ શબ્દ તમોએ સાંભળ્યો હશે. હું જાણું છું કે, દક્ષિણ ભારતના લોકોને આનું અર્થ કદાચ નહીં સમજાય એ માટે દક્ષીણ ભારત ની ચાર ભાષાઓ માં હું અનુવાદ કરી જણાવું છું. એ પછી એમણે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં અર્થ જણાવ્યું હતું.
નાણાં પ્રધાને ઘણાં નાણાકીય પગલાંઓ ની ઘોષણા કરી હતી અને ઉમેર્યું હતું કે, આગામી કેટલાક દિવસોમાં તેમની ટીમ મીડિયા સમક્ષ વડા પ્રધાનની દ્રષ્ટિ રજૂ કરશે અને આર્થિક પેકેજ પર વધુ વિગતો જણાવશે.

વેતન સિવાયની આવક પરનો ટી.ડી.એસ.
૨૫ % ઘટાડાયો, રિટર્નની છેલ્લી તારીખ લંબાવાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
નાણાપ્રધાન નિર્મલા સીતારામણે બુધવારે જાહેરાત કરી હતી કે, આર્થીક વહેવારો દરમિયાન વ્યક્તિઓ અને ઉદ્યોગોને તેમના હાથમાં વધુ પૈસા આવે એ માટે, સ્ત્રોત પર કપાત કરવાની અથવા વસૂલાત કરવામાં આવતી રકમ સરકાર ઘટાડશે. સીતારમણએ જણાવ્યું હતું કે, બિન-પગારની સ્પષ્ટ ચુકવણી માટેના સ્ત્રોત પર કર કપાતના દર અને વિશિષ્ઠ આવક પર સ્ત્રોત પર વેરા વસૂલાતના દરો હાલના દરોથી ૨૫ ટકા ઘટાડવામાં આવશે. સીતારામને કહ્યું હતું કે, અમને લાગે છે કે, આ પગલાથી ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ની પ્રવાહિતા બજાર માં આવશે, જે નાણા અન્યથા વેરા પેટે સરકારમાં જમા થયા હોત. ટીડીએસનો આ ઘટાડો દર (સ્રોત પર કર કપાત) અને ટીસીએસ (સ્રોત પર એકત્રિત કર) કરાર, વ્યાવસાયિક ફી, વ્યાજ, ભાડા, ડિવિડન્ડ, કમિશન અને દલાલી આવક માટે ચૂકવણી માટે ઉપલબ્ધ રહેશે. આ ઘટાડો આવતીકાલથી અમલમાં આવશે અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના બાકીના ભાગ માટે લાગુ થશે.