(એજન્સી) નવી દિલ્હી, તા.૧
શુક્રવારે સવારે આઝાદ મેદાન આગળ આવેલી મુંબઈ કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. લોકલ પોલીસ મુજબ આ સવારે કેટલાક અજાણ્યા માણસો મુંબઈ કોંગ્રેસ ઓફિસમાં ઘૂસી આવ્યા હતા જ્યારે હાઉસકિપીંગ સ્ટાફ ઓફિસમાં તળિયા પર કચરા-પોતું કરતું હતું ત્યારે કેટલાક લોકો ઘૂસી આવ્યા અને કાચ તથા કેબિનોમાં તોડફોડ કરી. અજાણ્યા વ્યક્તિઓના ચિત્રો સીસીટીવીમાં પકડાઈ ગયા છે. અમે તપાસને આગળ વધારીશું અને અપરાધીઓને ટૂંક સમયમાં પકડવામાં આવશે એમ એક પોલીસકર્મીએ કહ્યું હતું. જો કે, મનસેના સંદીપ દેશપાંડેએ મુંબઈ કોંગ્રેસ ઓફિસની તોડફોડની જવાબદારી સ્વીકારી છે. તેમની ટ્‌વીટમાં દેશપાંડેએ કહ્યું ભૈયા સંજય નિરૂપમની પાર્ટી ઓફિસ પરનો હુમલો એક સર્જીકલ સ્ટ્રાઈક છે. ઈંટનો જવાબ પથ્થરથી. જ્યારે મુંબઈ કોંગ્રેસ પ્રમુખ સંજય નિરૂપમને પૂછવામાં આવ્યું તેઓ કોઈ ટિપ્પણી માટે હાજર ન હતા. રેકડીવાળાઓને લઈને મનસે અને કોંગ્રેસ વચ્ચે ઝઘડો ઘણા સમયથી ચાલી રહ્યો છે. હમણા જ મનસેના કાર્યકર્તાઓ પર વિકરોલી અને તે પહેલાં માટુંગા આગળ હુમલો થયો હતો. રાજ ઠાકરે, મનસેના પ્રમુખે બંધ બારણાની એક સભામાં તેના કાર્યકર્તાઓને કહ્યું મારે માર ખાય તેવા પાર્ટી કર્મચારીઓ નથી જોઈતા પણ મારે પાર્ટી માટે લડી પડે તેવા કાર્યકર્તાઓ જોઈએ છે. એકવાર રાજ સાહેબે અમને દિશા ચીંધી બતાવી અમે મુંબઈમાં તે ઉત્તર ભારતીયોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. અમે આવું અભિમાન સહન નહીં કરીએ. ભવિષ્યમાં આખા મુંબઈમાં તેમના કાર્યાલયો અને નેતાઓ પર હજી વધુ હુમલાઓ થશે. એક અનામી મનસે કાર્યકર્તાએ ધમકી આપી હતી. એનસીપીના એમએલએ જીતેન્દ્ર ઔહદે આ હુમલાને વખોડી કાઢયો હતો. તેમણે આ ગુંડાતત્ત્વો સામે કડક પગલાંની માગણી કરી હતી.