વાગરા,તા.૧૫
જોલવા ગામે સતત બીજા દિવસે પણ પરપ્રાંતિયો વતન પરત જવાની માંગ સાથે આક્રમક બન્યા હતા. શ્રમિકોએ પોલીસ કાફલા પર પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડતા નાસભાગ મચી જવા પામી હતી. બનાવને પગલે વધુ પોલીસ કુમક તૈનાત કરી દેવાતા જોલવા ગામમાં સન્નાટો ફેલાઈ ગયો હતો. લોકડાઉન ચોથા ચરણમાં પ્રવેશવાની તૈયારી મા છે ત્યારે પરપ્રાંતિયોએ વતન જવાની માંગને વધુ આક્રમક બનાવી છે. જેમાં વાગરાના જોલવા ખાતે ઉદ્યોગોમાં કામ કરતા પરપ્રાંતિઓએ કલાકો સુધી દહેજ-ભરૂચ માર્ગ પર જોલવા ગામે ચક્કાજામ કર્યો હતો. જ્યાં જિલ્લા પોલીસ વડાએ જાતે પહોંચી જઈ શ્રમિકોને સમજાવવા સાથે તેઓની વહેલી તકે ઘરવાપસી કરાવવામાં આવશેની હૈયાધારણા આપતા માર્ગ ખુલ્લો થયો હતો.