(એજન્સી) હવાના, તા. ૨
ક્યૂબાના જાદૂઇ નેતા રહેલા દિવંગત ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્ર ફિદેલ એન્જલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટે ગુરૂવારે હવાનામાં આત્મહત્યા કરી લીધી હતી. ક્યૂબાના મીડિયામાંથી આવેલા અહેવાલો અનુસાર એન્જલ ડિપ્રેશનનો શિકાર હતો અને ઘણા સમયથી તેની સારવાર ચાલી રહી હતી. ૬૮ વર્ષના ફિદેલ કાસ્ત્રો ડિયાઝ બલાર્ટને લોકો પ્રેમથી ફિદેલિતો પણ કહેતા હતા. તે મુખ્યત્વે પરમાણુ ફિઝિસિસ્ટ હતો. તેણે સોવિયેત યુનિયનમાં અભ્યાસ કર્યો હતો. ક્યૂબાની એક સમાચાર વેબસાઇટ ક્યૂબાડિબેટે ઘટનાની જાણકારી આપતા લખ્યું હતું કે, ડિયાઝ બલાર્ટનું ડિપ્રેશનની બીમારીને કારણે ઘણા મહિનાથી ઇલાજ ચાલી રહ્યો હતો. તેણે આ જ કારણે આત્મહત્યા કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ડિયાઝ બલાર્ટના પિતા કોમ્યુનિસ્ટ નેતા ફિદેલ કાસ્ત્રોએ ક્યૂબામાં લોકપ્રિય કોમ્યુનિસ્ટ સરકારની રચના કરી હતી જેના કારણે તેઓ ઘણા સમય સુધી અમેરિકાને આંખની કણાની જેમ ખૂંચતા હતા. અમેરિકી સરકારે ઘણીવાર તેમના પર જીવલેણ હુમલા કરાવ્યા હતા પરંતુ અમેરિકા તેમાં સફળ થયું નહોતું. નવેમ્બર ૨૦૧૬માં ફિદેલ કાસ્ત્રોનું નિધન થયું હતું.