સુરેન્દ્રનગર, તા.૧૪
સુરેન્દ્રનગર જિલ્લામાં સફાઈ કર્મચારીઓ વિવિધ પ્રશ્ને ઉપવાસ ઉપર ઉતર્યા છે.ત્યારે આ મામલે પાટડી દસાડા ધારાસભ્ય અને જિલ્લા કૉંગ્રેસ મેદાને આવી છે. આ રેલી ની કોઈ પણ પ્રકાર ની પરવાનગી આપવામાં આવી નહતી છતાં પણ સફાઈ કર્મચારીઓના પ્રશ્નો પાટડી ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની આગેવાનીમાં રેલી નીકળી હતી. ત્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી માન. ધારાસભ્ય નૌશાદ સોલંકી આ મહારેલીમાં જોડાયા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર નગરપાલિકા તરફ મહારેલી પ્રસ્થાન કરી હતી. રેલીની પરમિશન પ્રશાસન વિભાગ દવારા ન આપવામાં આવી ન હતી જેથી પોલીસે ૨૦૦ સફાઈ કર્મચારીઓની અટકાયત કરવામાં રેલીમાં જોડાનાર સફાઈ કર્મચારીઓ ઉપરાંત પાટડી ધારાસભ્ય નૌશાદ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત વઢવાણના જાણીતા વકીલ અને દલિત સમાજના આગેવાન મહેન્દ્રભાઇની પણ અટકાયત કરવામાં આવી હતી તે ઉપરાંત જિલ્લા કોંગ્રેસના કાર્યકરોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આ બાબતે પાટડી ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે ભલે અત્યારે અમારી જિલ્લા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે પરંતુ અને સફાઈ કર્મચારીઓના હિતમાં લડીશું અને તેમને ન્યાય અપાવીશું. બીજી તરફ મહિલા પોલીસ આ સફાઈ કામદારોની રેલીમાં જે મહિલાઓ હતી તે મહિલાઓને રોકી શકી ન હતી અને આ મહિલાઓ નગરપાલિકાને તાળાબંધી કરવા આંબેડકર ચોકથી નગરપાલિકા સુધી પહોંચી ગઈ હતી. આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લાના ડિવાયએસપી વાણંદ જાહેર રોડ ઉપર દોડતાં પણ નજરે પડ્યા હતા અને મહિલા સફાઈ કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી.