(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.૩૧
કોડીનાર તાલુકાના પેઢાવાડા ગામે પરિણીતાએ સાસરિયામાં દુઃખ ત્રાસના કારણે પતિના ઘરે જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી આત્મહત્યા કર્યાના બનાવમાં આજે કોડીનાર સેશન્સ કોર્ટે બંને આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ બનાવની ટૂંકી વિગત મુજબ ખાણ ગામના લખમણભાઈ ચૌહાણની પુત્રી કડવીબેન ઉર્ફે કલ્પનાબેનના લગ્ન વર્ષ ર૦૧પમા પેઢાવાડા ગામના રોહિત ભીખા સાથે થયા પછી લગ્નના ૬ માસ બાદ જ તા.ર૦-૧૦-૧પના રોજ પરિણીતા કડવીબેને સાસરિયામાં દુઃખ ત્રાસના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે કડવીબેનના પિતા લખમણભાઈએ કડવીબેનના પતિ રોહિત અને સાસુ મણીબેન વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર કેસ કોડીનાર સેશન્સ કોર્ટના જજ દવેની કોર્ટમાં ચાલતા કોર્ટે બચાવ પક્ષના વકીલ એમ.જી. નકવી અને એસ.સી. સ્માર્ટની ધારધાર દલીલો ગ્રાહ્ય રાખી આ કેસના અન્ય તમામ પાસા ચકાસી આરોપીઓ રોહિત અને મણીબેનને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી એડવોકેટ સોલંકી અને બચાવ પક્ષ તરફથી એડવોકેટ એમ.જી. નકવી અને એસ.સી. સ્માર્ટ (બંને ઉનાવાળા) રોકાયા હતા.