ભાવનગર,તા.ર૮
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે પરણીતાને મરવા મજબૂર કરવાના ગુનામાં સાસુ અને સસરા સામેનો કેસ ભાવનગરના પ્રિન્સીપલ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સાસુ અને સસરાને જુદી જુદી કલમો હેઠળ તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને બન્નેને રૂા.૬ હજારનો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદી છનાભાઈ બચુભાઈ વાઘેલા જાતે દે.પૂ. (ઉ.વ.૪૩, ધંધો ખેત મજુરી, રહે.દેવીપૂજકવાસ, ઉમરાળા)એ ઉમરાળા પોલીસ મથકમાં જે તે સમયે એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દિકરી રૂપાના લગ્ન સમાજના રીતરીવાજ મુજબ રંઘોળા ગામે રહેતા તેમના સગાબહેન લાભુબેન કાળુભાઈ ધોળકિયાના દીકરા કિશન સાથે થયા હતા. લગ્ન સમય દરમ્યાન રૂપાબેનને દોઢ વર્ષનું માસુમ બાળક છે. રૂપાબેનના લગ્નબાદ થોડા સમયે રૂપાબેનને તેના સાસુ લાભુબેન, સસરા કાળુભાઈ રાયમલભાઈ ધોળકિયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર (દિયર) અને કિશોરી (દેરાણી) સહિતનાઓએ એકસંપ કરી રૂપાબેનને મેણાટોણા મારી, શારીરિક અને માનસિક ત્રાસ આપી મરી જવા દુષ્પ્રેરણા (મરવા મજબૂર) કરતા હોવાના કારણે કંટાળી જઈ રૂપાબેને રંઘોળા મુકામે ઉક્ત આરોપીઓના ઘરે ગત તા.ર૪/૯/૧૭નાં રોજ સાંજના સમયે પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટી સળગી જઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ સેશન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા મુખ્ય આરોપી કાળુભાઈ રાયમલભાઈ ધોળકીયા (સસરા) તથા લાભુબેન કાળુભાઈ ધોળકિયા (સાસુ), આ ગુનાના કામે તકસીરવાન ઠરાવવામાં આવેલ બન્ને આરોપીઓને ઈપીકો કલમ ૩૦૬, ૧૧૪ મુજબના ગુનામાં પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.પાંચ હજારનો દંડ જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા, ઈપીકો કલમ ૪૯૮ (ક) સાથે વાંચતા કલમ ૧૧૪ મુજબના ગુનામાં એક વર્ષની સખ્તકેદની સજા અને રૂા.૧ હજારનો દંડ જો આરોપી દંડ ન ભરે તો વધુ પંદર દિવસની સજાનો હુકમ અદાલતે કર્યો હતો.