મોરબી,તા.૧૦
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજે ગામે રહેતી પરિણીતાએ એસિડ પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતક પરિણીતાને લોકડાઉનમાં પિયરે જવાની તેના પતિએ ના પડાતા લાગી આવવાથી તેણીએ આ અંતિમ પગલું ભરી લીધું હતું.
આ બનાવની વાંકાનેર પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતી નુસરતબેન હસમતઅલી કડીવાર (ઉ.વ.૨૮) નામની પરિણીતાએ ગત તા.૯ રોજ પોતાના ઘરે એસિડ પી લીધું હતું. બાદમાં તેણીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટ તરફથી આજે કાગળિયા આવતા વાંકાનેર પોલીસે આ બનાવની તપાસ કરી હતી. જેમાં એવી વિગતો બહાર આવી હતી કે મૃતક પરિણીતાએ પોતાના પિયર જવાની પતિને વાત કરી હતી. પણ પતિએ હાલમાં લોકડાઉન ચાલતું હોય તેને લોકડાઉન ખુલ્યા બાદ જ પિયરે જવાનું કહેતા પત્નીને માઠું લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભરી લીધું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.