ડીસા, તા.૧૭
લાખણી તાલુકાના અસાસણ ગામમાં એક યુવકને ગામ લોકોએ કાયદો હાથમાં લઈ સજા આપ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. યુવક અસાસણ ગામમાં તેની પરિણીત પ્રેમિકાને મળવા માટે રાત્રે પહોંચ્યો હતો. આ વાતની જાણ ગામના લોકોને થતાં યુવકને ઝડપીને તેને માર મારવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે યુવક તેના ગામમાં પ્રેમિકાને મળવા આવ્યાની જાણ થતાં જ ગામ લોકોએ વોચ ગોઠવીને તેને ઝડપી લીધો હતો. જે બાદ ગામ લોકોએ તેને માર માર્યો હતો. બાદમાં એક યુવકે બ્લેડ વડે યુવકનું મુંડન કરી નાખ્યું હતું. આ દરમિયાન યુવકને માથામાં બ્લેડ પણ વાગી હતી. જે બાદમાં યુવકનું માથું ધૂળથી ભરી દેવામાં આવ્યું હતું. આટલું પૂરતું ન હોય તેમ ગામના કેટલાક યુવકોએ આ અંગેની વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
મળતી માહિતી પ્રમાણે યુવક ભાભર તાલુકાના સનેસડા ગામનો હોવાનું માલુમ પડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના એક ગામમાં અગાઉ પણ આ પ્રકારનો બનાવો બન્યો હતો. જેમાં પ્રેમિકાને મળવા આવેલા યુવકને બાંધીને માર મારવામાં આવ્યો હતો તેમજ તેની મૂછો મુંડી નાખવામાં આવી હતી.
આ ઘટના સોમવારે રાત્રે બની હતી. મંગળવાર બપોર સુધી આ મામલે કોઈ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. યુવકની ભાળ મળ્યા બાદ તેને માર મારનાર તેમજ તેનું મુંડન કરનાર લોકોની વિગતો મેળવવામાં આવશે.