અમદાવાદ, તા.ર૭
મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી. પરિણીત મહિલાને નોકરીના સ્થળે ઘણું ભોગવવાનો વારો આવે છે ત્યારે આવો જ એક કિસ્સો બનવા પામ્યો છે. જેમાં કોઈપણ બહાને પરિણીતાને બોલાવીને તેના બોસએ જ બળાત્કાર ગુજાર્યો હતો. જેને પગલે પરિણીતાએ તેના બોસ વિરૂદ્ધ જ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે, મૂળ જૂનાગઢની અને હાલ ઘાટલોડિયામાં રહેતી ૨૯ વર્ષીય મહિલા તેના પતિ અને પરિવાર સાથે રહે છે. તેણે થોડા સમય પહેલાં ઉસ્માનપુરામાં આવેલી એક કૉમ્યુનિકેશન ઓફિસમાં સેલ્સ એક્ઝિક્યૂટીવ તરીકે નોકરી શરૂ કરી હતી. જેના માલિક મુકેશ રાજપૂત હતા. ઓફિસમાં અન્ય સાત જેટલી યુવતીઓ પણ નોકરી કરતી હતી. બેંકનો ડેટા મેળવી લીડ મેળવી તેમાં કોલ કરી ક્રેડિટ કાર્ડ આપવાનું કામ આ યુવતીને કરવાનું રહેતું હતું પણ મુકેશ રાજપૂતે સમયસર પગાર ન કરતા આ મહિલાએ નોકરી છોડી દીધી હતી અને અન્ય જગ્યાએ તે નોકરીએ લાગી હતી. પણ બાદમાં ફરી વધુ પગાર અને કમિશન આપવાની લાલચ આપી મુકેશે તેને ફરી નોકરીએ બોલાવી હતી. કોઈપણ ક્લાયન્ટ આવે કે નાનું કામ હોય તો આ યુવતીને મુકેશ રાજપૂત વધુ માન સન્માન આપીને તેને જ કામ આપતો હતો.
એક દિવસ આ યુવતી બસસ્ટેન્ડ પર હતી ત્યારે મુકેશે ફોન કર્યો અને તે બીજા દિવસે નથી આવવાનો જેથી ચાવી લેવા માટે યુવતીને ઓફિસે બોલાવી હતી. અન્ય સ્ટાફ જતો રહ્યો હોવાથી બંને એકલા હતા જેથી મુકેશે તે સમયનો લાભ લઇ તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. બાદમાં એક દિવસ ચાર્જર ભૂલી ગઈ છે તે લઈ જા તેમ કહી તેને ઓફિસ બોલાવી હતી. યુવતીએ સિક્યોરિટી ગાર્ડ સાથે મોકલાવવાનું કહેતા તેણે ધમકી આપી યુવતીને ઓફિસમાં બોલાવી હતી અને ફરી બળાત્કાર ગુજાર્યો હતો.
મહિલાએ આ બાબતને લઈને ગભરાઇ જતા તેણે હવે મુકેશના તાબે ન થવા કહેતા મુકેશે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ તેના પતિને જાણ કરતા મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં મુકેશ રાજપૂત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.