(એજન્સી) તા.૧૦
કોરોના મહામારી વચ્ચે આગામી દિવસોમાં યોજાઇ રહેલી પરીક્ષાઓ માટે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ગરૂવારે એક નવી ગાઇડલાઇન્સ બહાર પાડી હતી જેમાં પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓ તથા પરીક્ષા સંચાલનના કામકાજમાં રોકાયેલા તમામ લોકોની સલામતીને લગતાં કેટલાંક મહત્ત્વના પગલાંનો સમાવેશ કરાયો હતો.
પરીક્ષાના સમય દરમ્યાન સમગ્ર પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી દરેક પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓ અને વાલીઓ અને પરીક્ષાના કાર્યમાં રોકાયેલા લોકોથી ઊભરાતા હોય છે તેથી કોરોના વાયરસના ચેપને અટકાવતાં કેટલાંક સાવચેતીના પગલાં સાથે પરીક્ષાઓનું આયોજન કરવું અતિ આવશ્યક છે એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.
મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇન્સમાં દરેક વ્યક્તિએ શારીરિક અંતર જાળવવું, ચહેરો ઢંકાય એવા ફેસકવર અથવા માસ્કનો ઉપયોગ કરવો, આલ્કોહોલ ધરાવતા સેનિટાઇઝર વડે હાથ સાફ કરવા, વારંવાર હાથ ધોવા, ખાંસી કે ઉધરસ ખાતી વખતે મોં અને નાક ઢાંકેલું રાખવું જેવા વિવિધ નિયમોનો સમાવેશ કરાયો હતો. આ નિયમોમાં પોતાના આરોગ્યની પોતે જ કાળજી લેવી, જાહેરમાં થૂંકવું નહીં અને જો કોઇ બીમારી હોય તો સત્વરે તાત્કાલિક સત્તાવાળાઓને જાણ કરી દેવા જેવા નિયમોના પાલનને પણ ફરજિયાત બનાવાયા છે.
કન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર આવેલા પરીક્ષા કેન્દ્રોમાં જ પરીક્ષા લેવાની રહેશે અને કન્ટેઇન્મેન્ટ ઝોનની અંદર રહેતાં કોઇપણ કર્મચારી કે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા દેવાની મંજૂરી નહીં આપવામાં આવે, પરંતુ આવા વિદ્યાર્થીઓને અન્ય કોઇ રીતે અથવા તો સંસ્થા, યુનિવર્સિટી કે એજન્સીને યોગ્ય લાગે તે રીતે પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી આપવાની રહેશે એમ મંત્રાલયની ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું હતું.
કોઇપણ પરીક્ષા કેન્દ્ર ઉપર કોઇપણ દિવસે નિયત સંખ્યા કરતાં વધુ લોકો ભેગા ન થાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અથવા પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થાઓએ પરીક્ષાનું તબક્કાવાર ટાઇમટેબલ તૈયાર કરવાનું રહેશે. દરેક વ્યક્તિના શારીરિક અંતરના મહત્ત્વને ધ્યાનમાં લેતાં પરીક્ષા કેન્દ્રનું સંચાલન કરતી સંસ્થાઓ પાસે પરીક્ષામાં વિદ્યાર્થીઓની યોગ્ય બેઠક વ્યવસ્થા માટે પૂરતા રૂમોની સુવિધા ઉપલબ્ધ હોવી જોઇશે. તે ઉપરાંત ફેસકવર, માસ્ક, હેન્ડ સેનિટાઇઝર, સાબુ અને સોડિયમ હાઇડ્રોક્લોરાઇડ જેવી વ્યક્તિગત સલામતી આપતી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે એમ ગાઇડલાઇન્સમાં સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો હતો.