જામનગર, તા.૬
જામનગરના પંચવટી ગૌશાળા પાસે આવેલી વી.એમ. મહેતા કોમર્સ એન્ડ આર્ટસ કોલેજ-પંચવટી કોલેજમાં ચાલી રહેલી પરીક્ષા દરમ્યાન તે કોલેજમાંથી પરીક્ષા આપતો ડી.કે.વી. કોલેજનો વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજા ચોરી કરતો જોવા મળતા તે વિદ્યાર્થીને પંચવટી કોલેજના પ્રિન્સીપાલ જ્ઞાનેન્દ્રસિંહ બ્રિજબહાદુરસિંહ રાજપૂતની ઓફિસમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું.
આ વિદ્યાર્થીને આન્સરશીટ તેમજ હોલ ટિકિટ સાથે પ્રિન્સીપાલની કચેરીમાં બોલાવાયો ત્યારે તેની પાસે મોબાઈલ હોવાનું અને તેના મારફતે ચોરી કરતો હોવાનું જણાવાતા પ્રિન્સીપાલ જ્ઞાનેન્દ્રસિંહે તે વિદ્યાર્થીને માફીપત્ર લખી આપવા સૂચના આપી હતી.સૂચનાને અનુસરવાને બદલે વિદ્યાર્થી ધર્મરાજસિંહે ઉશ્કેરાટમાં આવી અન્ય પ્રોફેસરોની ઉપસ્થિતિમાં નાસવા જવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી મહિલા પ્રોફેસર સહિતના વ્યક્તિઓએ તેને પકડવાનો પ્રયાસ કરતા પ્રિન્સીપાલના ટેબલ પર પ્રશ્નપત્ર ખોલવા માટે રાખવામાં આવેલી કાતર ઉપાડી ધર્મરાજસિંહે તેનો ઘા પ્રિન્સીપાલ પર ઝીંક્યો હતો. અચાનક બનેલા આ બનાવથી પ્રોફેસરો પણ હેબતાયા હતા. કોઈએ પોલીસ તથા ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ અને સિટી બી ડિવિઝનના પીએસઆઈ યુ.કે. જાદવ પહોંચ્યા હતાં તે દરમ્યાન હુમલાખોરને બેસાડી રાખવામાં આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કર્યા પછી જ્ઞાનેન્દ્રસિંહની ફરિયાદ પરથી આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.