(એજન્સી) તા.૨૭
અત્યારે વર્ષનો એ સમય છે જ્યારે વિદ્યાર્થીઓ અને માતા પિતા પર પરીક્ષાનો બોજ અને દબાણ સૌથી વધુ હોય છે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે તેમના પર દબાણ હોય છે અને આ માટે તેમણે સતત અભ્યાસ ઉપરાંત આરોગ્ય પ્રત્યે સંતુલિત અભિગમ દાખવવાની જરુર પડે છે. આ સંતુલિત અભિગમ વિદ્યાર્થીઓને યાદદાસ્ત સતેજ કરે છે અને તેમણે જે કઇ અભ્યાસ કર્યો હોય તે તેમને યાદ રહે છે એવું ધ હિમાલયા ડ્રગ કંપનીના આયુર્વેદ નિષ્ણાત ડો.હરિપ્રસાદ જણાવે છે. તેમણે આગામી પરીક્ષાઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી જાળવી રાખવા માટે નીચેની ટિપ્સ આપી છે.
નિયમિત કરસરત કરો
શૈક્ષણિક દેખાવ અને કામગીરી સુધારવા માટે શારીરિક ગતિવિધિ અને કવાયત એક અસરકારક સાધન છે. બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી ખાતે એક હાથ ધરાયેલા અભ્યાસક્રમ દ્વારા એવું જાહેર કરાયું છે કે નિયમિત રીતે એરોબિક કસરત કરવાથી મૌખિક યાદદાસ્ત અને શીખવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ મગજના એ ભાગને વધુ સચેત કરે છે. કસરત યાદશક્તિ પણ વધારે છે અને મગજને ઓક્સિજનનો પ્રવાહ વધારીને વિદ્યાર્થીની વિચારક્ષમતાને પણ વધારે છે.
આરોગ્યપ્રદ આહાર જાળવી રાખો
આરોગ્યપ્રદ આહાર પરીક્ષામાં મહત્વપૂર્ણ છે. શાકભાજી ફળો, આખું અનાજ, દૂધ , માછલી અને ઇંડા સભર ભોજન આ સમયે અપનાવવું સારુ છે. તેના કારણે વિદ્યાર્થીઓની પોષણની જરૂરિયાતોની પૂર્તતા થશે અને તેઓ સારો દેખાવ કરી શકશે.
દૈનિક ભોજનમાં યોગ્ય વનસ્પતિને સ્થાન આપો
આયુર્વેદિક ગ્રંથો અને આધુનિક સંશોધન અનુસાર બ્રાહ્મીને કારણે યાદશક્તિ, બુદ્ધિશક્તિ અને સતર્કતા વધે છે તે એક પ્રકારનું મેન્ટલ ટોનિક છે જે મનને શાંત કરે છે અને વિચારોને સ્પષ્ટતા પૂરી પાડે છે અને યાદદાસ્ત વધારે છે.
પૂરતી ઊંઘ લો
પરીક્ષાની તૈયારી કરતી વખતે શરીરની એક મહત્વની જરૂરિયાત ઊંઘની ઉપેક્ષા કરવામાં આવે છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ રોજ રાત્રે ઓછામાં ઓછી ૬થી ૮ કલાક ઊંઘ લેવી જોઇએ. હાર્વર્ડ યુનિવર્સિટીના અભ્યાસ દ્વારા ઊંઘ અને યાદશક્તિ વચ્ચે મજબૂત કનેક્શન હોવાનું બહાર આવ્યું છે. પૂરતી ઊંઘ લેનાર વિદ્યાર્થીઓને ઊંઘ નહીં લેતા વિદ્યાર્થીઓ કરતા સારા ગ્રેડ મળે છે.