અમદાવાદ, તા.૬
દેશની એન્જિનિયરીગના અભ્યાસ માટે પ્રતિષ્ઠત આઇઆઇટી ઇન્સ્ટીટ્યુટ્‌સ ખાતે પ્રવેશ લેવા માટે ફરજીયાત એવી જેઈઈ (એડવાન્સ) પરીક્ષા લીધા બાદ જવાબ પસંદ કરવાની પધ્ધતિમાં ફેરફાર કરવાના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આઇપીએસ ઓફિસર રજનીશ રાય અને બે વિદ્યાર્થીઓએ આ અરજી કરી હતી જેમાં તા. ૧૦ જૂનના રોજ જાહેર થનારા પરિણામ ઉપર મનાઇ હુકમ આપવાનો કોર્ટે ઇનકાર કરી દીધો હતો. રજનીશ રાયના પુત્રએ પણ આ પરીક્ષા આપી હતી પરંતુ તે સગીર હોવાથી રાયે અરજી કરી હતી. એડવોકેટ રાહુલ શર્માએ પિટિશન બાબતે જણાવ્યું હતું કે, તા. ૨૦ મેના રોજ જેઇઇ (એડવાન્સ)ની પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષા ઓનલાઇન આપવાની હોય છે અને તેના ૨૦ મિનિટ પહેલા એવું જણાવવામાં આવ્યું હતું કે, ગણિતને લગતા પ્રશ્નોના જવાબમાં આંકડા તેના પોઇન્ટ સાથે પસંદ કરવાના રહેશે. તેથી વિદ્યાર્થીઓએ તે પ્રમાણે ઉત્તર પસંદ કર્યા હતા. પરંતુ પરીક્ષાના બીજા દિવસે પરીક્ષા લેનાર સત્તાધીશોએ ફેરફાર કરીને માત્ર પ્રશ્નનો જવાબ આવતો હોય તે પોઇન્ટને જતા કરીને જે ચોક્કસ આંકડો આવતો હોય તેના આધારે માર્ક આપવાનું નક્કી કર્યું હતું.
અરજદારો વતી રજૂઆત કરવામાં આવી હતી કે, પરીક્ષા લીધા બાદ આ પ્રમાણે પરિણામને બહોળી અસર થાય તે રીતે માર્ક ગણવાની પધ્ધતિમાં કોઇ ફેરફાર કરી શકાય નહી. કારણ કે તેનાથી પરિણામ ઉપર શંકા ઉત્પન્ન થઇ શકે છે. પધ્ધતિમાં ફેરફાર કરવાના કારણે વિદ્યાર્થીઓના મેરીટ ગુણાંકમાં પણ મોટા પાયે આગળ પાછળ થઇ શકે તેમ છે. ઉપરોક્ત રજૂઆતો બાદ જસ્ટીસ બી. એન. કારીયાએ પિટિશનની સુનાવણી તા. ૧૨ ના રોજ રાખી હતી. તા. ૧૦ જૂનના રોજ જાહેર થનારું પરિણામ રોકવાની માગ માન્ય રાખી નહોતી પરંતુ જણાવ્યું હતું કે પરિણામનો અમલ હાઇકોર્ટના આદેશને આધીન રહેશે.