અમદાવાદ,તા. ૧૪
પીએસઆઇ મોડ-૨ની જુલાઈ ર૦૧૭માં લેવાયેલી અંગ્રેજીની પરીક્ષામાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિઓ આચરાઇ હોઇ અને તેમાં જેને અંગ્રેજીનું જ્ઞાન નથી તેવા ઉમેદવારો પણ ચોરી કરીને પાસ થઇ ગયા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કરતો એક પત્ર પોલીસ કોન્સ્ટેબલ જશુ વસાવા તથા અન્યોએ ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રારને ઉદ્દેશીને લખ્યો છે. એટલું જ નહી, પત્રમાં કોન્સ્ટેબલો દ્વારા ન્યાય નહી મળે તો સામૂહિક આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ પત્રને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. બીજીબાજુ, ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારે પણ ગુજરાત રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને આજે એક પત્ર પાઠવી આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે. જેને પગલે ડીજીપી ઓફિસ દ્વારા આ મુદ્દે એલર્ટ રહેવા અમદાવાદ પોલીસ કમિશનર સહિત સંબંધિત પોલીસ અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને ઉદ્દેશીને પોલીસ કોન્સ્ટેબલ જશુ વસાવા દ્વારા લખાયેલા પત્રમાં ઘટસ્ફોટ કરાયો છે કે, તા. ૨૭મી જુલાઈ ૨૦૧૭એ લેવામાં આવેલી સબ ઈન્સ્પેક્ટર (પીએસઆઇ)ની ખાતાકીય પરીક્ષામાં અંગ્રેજીનું પેપર ફૂટી ગયું હતું. જેના કારણે વ્યાપક ચોરીઓ થઈ હતી. પરીક્ષા લેનારા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાએ બે ડોલ ભરીને કાપલીઓ એકત્ર કરી હતી. પત્રમાં દાવો કરાયો હતો કે, અંગ્રેજીનું આ પેપર કોન્સ્ટેબલ સુનીલ નાયર દ્વારા ફોડવામાં આવ્યું હતું. પત્રમાં એવો દાવો પણ કરાયો છે કે, પેપર ફોડનાર સુનીલ નાયરના કેટલાક સગાઓ ગૌણ સેવા પસંદગી મંડળમાં કામ કરી રહ્યા હોવાથી કામને અંજામ આપ્યો હતો. પત્રમાં કહેવાયું છે કે, આ પાસ થયેલા ઉમેદવારોને ૧૦ માર્કસ પણ આવે તેમ નથી, જેમને ૭૦ની આસપાસ માર્કસ મળી ગયા હતા. આ ઉપરાંત પરીક્ષાના ઈન્ચાર્જ એસ. જી. જાવલેએ રૂપિયા ૪૦થી ૫૦ લાખ લઈને ૧૧૦ ઉમેદવારોને પાસ કર્યા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરાયો હતો. આ મધ્યપ્રદેશના વ્યાપમ જેવું કૌભાંડ છે, તેથી અંગ્રેજીની પરીક્ષા રદ કરી એક માસની અંદર ફરીથી પરીક્ષા લેવા પત્રમાં માગણી કરાઇ હતી. એટલું જ નહી, જો પરીક્ષા ફરી લેવામાં નહીં આવે તો પોલીસ કોન્સ્ટેબલો સામૂહિક આત્મહત્યા કરશે, જેની જવાબદારી મુખ્યમંત્રી વિજય રૂપાણીની રહેશે એવી સ્પષ્ટ ચીમકી પણ પત્રમાં આપવામાં આવી હતી. હાઈકોર્ટ રજિસ્ટ્રારે આ તમામ વિગત સાથે રાજ્યના પોલીસવડાને જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપતા સ્ટેટ પોલીસ કન્ટ્રોલરૂમના ડીવાયએસપી જી. જી. જસાણીએ રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાને તકેદારીના પગલા લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.