(એજન્સી) તા.૬
એક નવા અભ્યાસ દ્વારા એવું બહાર આવ્યું છે કે સૂર્યપ્રકાશ કે મો વાટે લેવાથી વિટામિન ડી કોરોના વાયરસનું જોખમ ૫૪ ટકા જેટલું ઘટાડે છે. આમ પણ વિટામીન ડી કોઇ પણ પ્રકારના સંક્રમણ સામે લડવા અસરકાર ઉપાય છે પરંતુ અમેરિકામાં ૧૯૦૦૦૦ દર્દીઓ પર એક વ્યાપક અભ્યાસ દ્વારા કોરોના વાયરસ સામે વિટામીન ડીની અક્સીર તાકાત પ્રસ્થાપિત થઇ છે.
બોસ્ટન ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ એક સર્વગ્રાહી અભ્યાસમાં એવું બહાર આવ્યું છે કે જો પૂરતા પ્રમાણમાં વિટામીન ડી લેવામાં આવે તો કોરોના વાયરસનું જોખમ ૫૪ ટકા ઘટી જાય છે. બ્રિટન અને ઇરાનમાં ચાલી રહેલ અન્ય અભ્યાસ પણ આવો જ નિર્દેશ આપે છે. બોસ્ટન દ્વારા જરનલ પબ્લિક લાઇબ્રેરી ઓફ સાયન્સ વનમાં પ્રસિદ્ધ કરાયેલ અભ્યાસ અહેવાલ દર્શાવે છે કે જેમ જેમ શરીરમાં વિટામીન ડીનું પ્રમાણ વધે છે તેમ તેમ કોરોના વાયરસ સંક્રમણ થવાનું જોખમ ઘટતું જાય છે.
બોસ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડીસીન ખાતેના પ્રો.ડો.માઇકલ હોલિકે જણાવ્યું છે કે લોકો કોરોના વાયરસમાં કોઇ જાદુઇ દવા કે વેક્સીનની રાહ જોઇ રહ્યાં છે પરંતુ વિટામીન ડી જેવી સિમ્પલ દવા લેતાં નથી. દેશમાં ૧૯૦૦૦૦ કરતાં વધુ અમેરિકનોના બ્લડ સેમ્પલના આધારે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. એવું જાણવામાં આવ્યું છે કે વિટામીન ડીની જેમનામાં ઊણપ હોય તેમને કોવિડ પોઝિટીવ થવાનું જોખમ ૫૪ ટકા વધુ છે. યુકેમાં ભારતીય કોવિડ દર્દીઓના અભ્યાસ પરથી પણ આવો જ નિષ્કર્ષ નીકળ્યો છે એવું પ્રો.સિંઘલે જણાવ્યું હતું. બ્રિટીશ એસોસિએશન ઓફ ફિઝિશીયન ઓફ ઇન્ડિયન ઓરીજીન દ્વારા વિટામીન ડી સપલ મેન્ટેશન પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો અને જે દર્દીઓને વિટામીન ડીનો મોટો ડોઝ આપવામાં આવ્યો હતો તેમના પર સારા પરિણામો જોવા મળ્યાં છે. ભારતમાં મોટા ભાગના લોકોને સૂર્યપ્રકાશ દ્વારા વિટામીન ડી મળે છે તેમ છતાં ભારતમા અસંખ્ય લોકોમાં વિટામિન ડીની ઊણપ જોવા મળી છે. હવે જ્યારે શિયાળામાં કોરોના વાયરસની બીજી લહેર શરુ થવાની અપેક્ષા છે ત્યારે ભારત સરકારે કોરોના વાયરસના શિયાળુ લહેરનો સામનો કરવા માટે વિટામીન ડી પ્રોગ્રાામ શરૂ કરવો જોઇએ.