(એજન્સી) નવી દિલ્હી, તા.૮
ઈડીએ સોમવારે મોટી કાર્યવાહી કરતાં પર્લ ગ્રુપના માલિક નિર્મલસિંહ ભંગૂની ૪૭ર કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. સીબીઆઈએ ૪પ,૦૦૦ કરોડના ગોટાળામાં પર્લ્સ ગ્રુપના ચેરમેન સહિત ચારની ધરપકડ કરી છે. ઈડીએ ભંગૂસિંહની આ સંપત્તિ મની લોન્ડરીંગના કેસમાં જપ્ત કરે છે. તેમાં ઓસ્ટ્રેલિયાની બે હોટલ્સ અને જમીનોને જપ્ત કરવામાં આવી છે. ભંગૂસિંહ પર આરોપ છે કે, તેણે આ સંપત્તિ પૌંજી સ્ક્રીમ્સ દ્વારા એકઠી કરી છે. ભંગૂએ લોકો પાસેથી હજારો કરોડ રૂપિયા એકઠા કરીને વિદેશોમાં રોકાણ કર્યું છે. આ કેસમાં સીબીઆઈ પહેલાં જ નિર્મલસિંહની ધરપકડ કરી ચૂકી છે. લગભગ એક હજાર કરોડની સંપત્તિને પહેલાં જ જપ્ત કરી લેવામાં આવી છે. નિર્મલસિંહની ભારતમાં પણ હજારો એકર જમીન અને સૌથી વધુ બેંક ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. આ કેસ સમગ્ર દેશમાં પ.પ કરોડ રોકાણકારો પાસેથી લગભગ ૪પ,૦૦૦ કરોડ એકઠા કરવાનો હતો. સીબીઆઈએ ભંગૂની વિરૂદ્ધ આઈપીસીની કલમ ૧ર૦ બી (ગુનાહિત ષડયંત્ર) તથા ૪ર૦ની (છેતરપિંડી) કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. રોકાણકારોને મોટા રિટર્નની લાલચ આપીને તેમની પાસેથી ધન એકઠું કરવામાં આવ્યું હતું.