(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ ૨૦૧૯ પર સંયુક્ત સમિતિની બેઠક ૨૮ અને ૨૯ ઓક્ટોબરે થશે. લોકસભા સચિવાલય તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર પહેલી બેઠક ૨૮ ઓક્ટોબરે અને બીજી બેઠક ૨૯ ઓક્ટોબરે આયોજિત કરવામાં આવશે. ટિ્‌વટર અને એમેઝોન વેબ સર્વિસીઝના પ્રતિનિધિઓને ૨૮ ઓક્ટોબરે અને પેટીએમ-ગૂગલે ૨૯ ઓક્ટોબરે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે. આ દરમિયાન એ પણ સામે આવ્યુ છે કે એમેઝોને સંયુક્ત સમિતિ સામે હાજર થવાનો ઈનકાર કરી દીધો છે. પેટીએમ, એમેઝોન, ફેસબુક અને ટિ્‌વટરને સંસદની સંયુક્ત સમિતિએ ડેટાની સુરક્ષા અને પ્રાઈવસીના મુદ્દે સમન જારી કર્યા છે. સમિતિની અધ્યક્ષતા ભાજપ સાંસદ મીનાક્ષી લેખી કરી રહ્યા છે. એમેઝોનના હાજર થવા અંગે ઈનકાર વિશે મિનાક્ષી લેખીએ કહ્યુ કે કંપનીના પ્રતિનિધિઓને ૨૮ ઓક્ટોબરે સમિતિ સામે હાજર થવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. જો કંપની હાજર નહિ થાય તો તેની સામે સંસદીય વિશેષાધિકાર હનનનો કેસ બનશે. કંપની સમિતિ સામે હાજર ન થઈ તો તેની સામે કડક કાર્યવાહી માટે સરકારને ભલામણ કરવામાં આવશે. એમેઝોન માટે ઑનલાઈન બિઝનેસ પર પ્રતિબંધ માટે પણ સમિતિ ભલામણ કરી શકે છે. વળી, ફેસબુક ઈન્ડિયાના અધિકારી શુક્રવારે સંયુક્ત સંસદીય સમિતિ સામે હાજર થયા અને ડેટા પ્રોટેક્શન બિલ પર પોતાનો પક્ષ રાખ્યો. માહિતી મુજબ ફેસબુક ઈન્ડિયાની પૉલિસી હેડ અંખી દાસ અને બિઝનેસ હેડ અજિત મોહને સમિતિને સ્પષ્ટ રીતે જણાવ્યુ કે તે કોઈ પણ ભારતીય નાગરિકના ડેટા પ્રચાર, વેપાર કે ચૂંટણી દરમિયાન ઉપયોગ કરી શકે નહિ. ફેસબુકના અધિકારીઓએ યુઝર્સના ડેટા પ્રોટેક્શન પર ખર્ચની પણ માહિતી લીધી. કેન્દ્રીય મંત્રીમંડળે ગયા વર્ષે ડેટા પ્રોટેક્શન બિલને મંજૂરી આપી હતી. જે હેઠળ સામાન્ય વ્યક્તિની કોઈ પણ પ્રકારની માહિતી તેની મંજૂરી વિના લેવી, તેનો ઉપયોગ કરવો અને શેર કરવી કાનૂની રીતે ગુનો માનવામાં આવ્યો છે.