(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલ વિવેક લાઇન ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરનો પાઇપ ફાટતાં છ જેટલા કારીગરો દાઝી જવા પામ્યા હતા. આ તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે, જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટના પગલે આજુબાજુના વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો. બ્લાસ્ટનો અવાજ એટલો મોટો હતો કે, ડરના મારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે. સુરત જિલ્લાના પલસાણા ખાતે વહેલી સવારે નાઇટ પાળી દરમિયાન વિવેક લાઇન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં અચાનક જ બોઇલર સાથે જોડાયેલા પાઇપ ફાટતા કંપનીમાં કામ કરી રહેલા છ જેટલા કારીગરો દાઝી જવા પામ્યા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ચલથાણ ગામ ખાતે આવેલ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ વ્યક્તિઓ નામે ઝકરિયા યાકુબ, ઇકબાલ નુરમોહમદ તથા પરેશ ભુલાભાઈનાઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ કારિગરોને બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ઘટનાની જાણ પલસાણા પીએસઆઇ સી.એમ. ગઢવી તેમજ તેમની ટીમને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ આરંભી હતી. ઘટનાની ગંભીરતા પારખી લેતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોઇલરમાં થયેલા બ્લાસ્ટના કારણે વિસ્તાર ધ્રુજી ઊઠ્યો હતો. અવાજના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ ફાયર બ્રિગેડે બોઇલરના કારણે લાગેલી આગ પર કાબૂ મેળવ્યો છે.