અમદાવાદ,તા.૨૩
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આજે શહેરના સી.જી રોડ અને આશ્રમ રોડ પર કોમર્શીયલ મિલ્કતોના બાકીદાર ડિફોલ્ટરો વિરૂધ્ધ સપાટો બોલાવવામાં આવ્યો હતો અને સમગ્ર ઝુંબેશ દરમ્યાન શહેરના પ્રોપર્ટી ટેક્સ ભરવામાંથી ફરજ ચૂકનાર બાકીદાર ડિફોલ્ટરો પાસેથી આશરે રૂ.૨૦૦૦ કરોડથી વધુનો ટેક્સ વસૂલવાનો થાય છે. અમ્યુકોના અધિકારીઓએ બાકીદાર ડિફોલ્ટરોની મિલ્કતો સામે ઢોલ-નગારા વગાડી ઢંઢેરા પીટવામાં આવ્યો હતો, જેને લઇ ભારે ચર્ચા ચાલી હતી. અમ્યુકોના અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ દરમ્યાન આજે શહેરના પશ્ચિમ ઝોનની આજની એક દિવસની પ્રોપર્ટી ટેકસની રૂ.૧.૭૮ કરોડની આવક વસૂલવામાં આવી હતી. પ્રોપર્ટી ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા સીજી રોડ અને આશ્રમરોડની ઝુંબેશ દરમ્યાન રૂ.૧૭ લાખની વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. લગભગ એક દાયકા બાદ અમ્યુકોના અધિકારીઓએ ઢોલ-નગારા સાથે પ્રોપર્ટી ટેક્સની વસૂલાતની ઝુંબેશ હાથ ધરી હતી, જેને લઇ ભારે ચર્ચા ચાલી હતી. શહેરમાં કોમર્શીયલ પ્રોપર્ટીઓનો બાકી નીકળતો પ્રોપર્ટી ટેક્સ નહી ભરતા ડિફોલ્ટર્સ વિરૂધ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગે આકરી કાર્યવાહી શરૂ કરી છે અને તેના ભાગરૂપે જ તા.૩૦મી જાન્યુઆરીથી આવા કસૂરવાર ડિફોલ્ટર્સની મિલ્કતોને સીલ મારવાની સીલીંગ ઝુંબેશ હાથ ધરાઇ હતી. અત્યારસુધીમાં અમ્યુકો તંત્રના અધિકારીઓએ આવી ૧૯૦૦થી વધુ મિલ્કતોને સીલ માર્યા છે અને પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.૬૦૫ કરોડથી વધુની આવક તિજોરીમાં જમા લીધી છે. હવે નવ તબક્કામાં શહેરના સી.જી રોડ અને આશ્રમરોડ પરની મિલ્કતોને સીલીંગ મારવાની ઝુંબેશ હાથ ધરાઇ હતી અને અમ્યુકોના અધિકારીઓએ સ્થળ પર વસૂલાતની આકરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે શહેરના સીજી રોડ પરના અંતરીક્ષ, અણહીલ, સમુદ્ર, મૃદુલ ટાવર, શાન્તનુ, હોટલ હાઇલેન્ડ, સચેત-૧, પોલાર સહિતના કોમ્પ્લેક્ષમાં ઢોલ-નગારા વગાડી નોટિસ આપી બાકીદારોને જાગૃત કરવામાં આવ્યા હતા. સાથે સાતે ટેક્સની મોટી રકમ બાકી હોય તેવા ડિફોલ્ટર્સની કુલ ૧૩ મિલકતોને સીલ મારવામાં આવ્યા હતા. હવે આગામી દિવસોમાં અમ્યુકો તંત્રના અધિકારીઓ યુનિવર્સિટી, પાલડી, વાસણા, નવરંગપુરા, નારણપુરા, ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારમાં આવેલ કોમર્શીયલ મિલ્કતો અને કસૂરવાર ડિફોલ્ટર્સ પર તવાઇ બોલાવે તેવી પૂરી શકયતા છે. જેમાં અમ્યુકોના અધિકારીઓ દ્વારા ઢોલ-નગારા સાથે સીલીંગ ઝુંબેશ, પાણી અને ડ્રેનેજ કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરશે.ઉલ્લેખનીય છે કે, અગાઉ તા.૩૦મી જાન્યુઆરીથી તા.૧૦ ફેબ્રુઆરી સુધી હાથ ધરાયેલી આ કામગીરીમાં શહેરના મધ્ય ઝોનમાં ૧૬૫, ઉત્તર ઝોનમાં ૩૮૩, દક્ષિણ ઝોનમાં ૪૨૭, પૂર્વ ઝોનમાં ૩૩૫, પશ્ચિમ ઝોનમાં ૧૪૦ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૮૯ મિલ્કતોને સીલ મારવામાં આવ્યા હતા. અમ્યુકો તંત્ર દ્વારા આ જે સીલીંગ ઝુંબેશ અને ટેકસ વસૂલાતની કામગીરી હાથ ધરાઇ તેમાં હજુ સુધી રહેણાંક મિલકતોનો સમાવેશ કરાયો નથી. જો કે, તેમછતાં કોમર્શીયલ મિલ્કતો વિરૂધ્ધ હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમ્યાન અમ્યુકો તંત્રને રૂ.૬૦૫ કરોડથી વધુની ટેક્સની વસૂલાત કરવામાં સફળતા મળી હતી.