પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સંસદમાં ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે લડત આપનાર આઠ સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે આ કાર્યવાહીને દુર્ભાગ્યપૂર્ણ ગુણાવતા ભાજપના નેતૃત્વવાળી સરકાર પર બિનલોકતાંત્રિક નિયમો અને સિદ્ધાંતો હેઠળ કામ કરવાનો આક્ષેપ કર્યો હતો. મમતા બેનરજીએ ટવીટ કર્યું હતું કે, ખેડૂતોના હિતોના રક્ષણ માટે લડત આપનાર આઠ સાંસદોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે અને તે સરકારની આપખુદ માનસિકતાને દર્શાવે છે જે લોકતાંત્રિક નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરતી નથી. તૃણમૂલ અધ્યક્ષે આગળ કહ્યું હતું કે અમે શરણાગતિ નહીં સ્વીકારીએ અમે આ ફાસીવાદી સરકાર સામે સંસદમાં અને માર્ગો પર આંદોલન ચલાવીશું. તેમણે આ પણ કહ્યું હતું કે ભાજપે આ દેશમાં લોકતંત્રની હત્યા કરી છે. ઉલ્લેખનીય છે કે, મમતા બેનરજી ભૂતકાળમાં પણ અનેક ખેડૂત આંદોલનોનું નેતૃત્વ કરી ચુકયા છે.