(એજન્સી) કોલકાતા, તા.૧૩
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક પેકેજને “બિગ ઝીરો” (મોટું શૂન્ય) ગણાવ્યું હતું. મમતાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે જાહેર કરાયેલ રૂા.ર૦ લાખ કરોડનું આર્થિક પેકેજ “મોટું મીંડુ” છે. મમતાએ જણાવ્યું હતું કે, દેશનો જીડીપી શૂન્ય છે કોઈ નાણાકીય વ્યવહાર નથી, રાજ્યોને પણ કંઈ જ મળી રહ્યું નથી, જાહેર વિતરણ થતું નથી, આ ખાસ પેકેજ નથી તેમજ કોવિડ-૧૯ માટે વધારાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી નથી. મમતાએ જણાવ્યું હતું કે, મોદીના આર્થિક પેકેજમાં બિનસંગઠિત ક્ષેત્રો માટે કંઈ જ નથી એટલું જ નહીં એમએસઈએમઈ માટે પણ કોઈ રાહત નથી. માાત્ર તરલતા છે. આ કંઈ નહીં પણ મોટું શૂન્ય છે. મમતાએ જણાવ્યું હતું કે, એક માસની કર રાહત કંઈ જ નથી બેંકના સહયોગની આશા છે તેમણે જણાવ્યું હતું કે, આ સંઘીય માળખાને તોડવા જેવું છે. રાજ્યોના અધિકારો છીનવાઈ રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરેલા ૨૦ લાખ રૂપિયાના આર્થિક પેકેજ સામે નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારના આર્થિક પેકેજને મોટો ઝીરો ગણાવતા કહ્યું કે, આનાથી રાજ્યોને કોઈ જ મદદ નહીં મળી શકે. મમતા બેનરજીની આ પ્રતિક્રિયા નાણામંત્રી નિર્મલા સીતારમન તરફથી આર્થિક પેકેજની વિસ્તૃત માહિતી આપ્યા બાદ આવી હતી. નોંધનીય છે કે, લગભગ દોડ કલાક સુધી ચાલેલી પ્રેસ કોન્ફરન્સમાં તબક્કાવાર જાહેરાત કરીને ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જેમાં તેમણે સૌથી પહેલા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગની જાહેરાત કરી હતી. સરકારે સેક્ટર માટે સરળ શરતો પર ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી હતી. રાહત પેકેજમાં ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન કોઈ પણ ગેરેન્ટી વગર આપવામાં આવશે. જેને ચાર વર્ષના સમયગાળા દરમિયાન ભરવાની રહેશે. તેમજ ૧૨ મહિના સુધી ફક્ત તેનું વ્યાજ જ ચુકવવાનું રહેશે.