(એજન્સી) કોલકાતા, તા.૨૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ મહિનાના પ્રારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા મુલાકાત લેવાયેલા બાકુરાના આદિવાસી જિલ્લાઓનું ચાર દિવસની મુલાકાતનો પ્રારંભ કર્યો છે. કાર્યક્રમ દરમિયાન અમીત શાહ પર પ્રહાર કરતા બેનરજીએ કહ્યું કે, તેઓ દેખાડા માટે આદિવાસીના ઘરમાં જમ્યા હતા. મમતા બેનરજી ૨૫ નવેમ્બર સુધી બેઠકો અને સભાઓ યોજશે. તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કહ્યું કે, મમતા બેનરજી અન્ય કેન્દ્રીય બેઠકોમાં પણ ભાગ લેશે. બાકુરાની તમામ ૧૩ વિધાનસભા બેઠકોમાંથી બાકુરા, ભિષણપૂર અને બર્ધમાન દુર્ગાપૂર બેઠકો લોકસભામાં આવે છે. ૨૦૧૯માં ભાજપે રાજ્યની ૪૨માંથી ૧૮ લોકસભા બેઠકો જીતી હતી. તૃણમૂલના સાંસદ સુખેન્દુ શેખરે કહ્યું છે કે, મમતા બેનરજી પોતાના રાજ્યના દરેક ભાગમાં વહિવટી બેઠકોની ૨૦૧૧થી સતત સમીક્ષા કરે છે અને આ બાકુરાની મુલાકાત પણ આ પરંપરાનો ભાગ છે. બાકુરાના ધારાસભ્ય સંપાદારિપાએ કહ્યું કે, મમતા બેનરજી સમાજ માટે માર્ગોથી લઈ રાશન સુધીના તમામ કામ કરે છે. લોકો તેમનાથી ખૂશ છે અને અભિનંદન આપી રહ્યાં છે. એમા કોઈ શંકા નથી કે, તેઓ ફરિવાર ચૂંટણી જીતશે. પાર્ટીની વ્યૂહરચના અનુસાર તમામ ધારાસભ્યોને તેમના મતવિસ્તારોની મુલાકાત લેવા કહેવાયું છે. ઉપરાંત દરેકને એક મહિનાની અંદર લોકોની મુશ્કેલીઓ ઉકેલવાનો પણ આદેશ અપાયો છે. આ ઉપરાંત વહિવટી અમલદારોને પણ ધારાસભ્યને કામમાં મદદ કરવા કહેવાયું છે.
Recent Comments