(એજન્સી) કોલકાતા, તા.૯
પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ રેલી યોજાઈ હતી. જેમાં તેમણે રાજ્યમાં રાજકીય હત્યાઓ બદલ મમતા બેનરજી સરકારની ટીકા કરી હતી. વર્ચ્યુઅલ રેલીને સંબોધિત કરતાં શાહે જણાવ્યું હતું કે ભાજપ કાર્યકરોની કુરબાનીને ક્યારેય નહીં ભૂલે તેમજ ભાજપ રાજ્યનું ગૌરવ પાછું લાવાવનું વચન આપે છે.
અમિત શાહે ગરીબો માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામો પણ ગણાવવામાં આવ્યા હતા. આયુષમાન ભારત યોજના લાગુ નહીં કરવા બદલ શાહે મમતાની આકરી ટીકા કરી હતી. અમિત શાહે મમતાને સવાલ કર્યો હતો કે શું રાજ્યના ગરીબોને મફત તથા ગુણવત્તાયુક્ત સારવાર મેળવવાનો અધિકાર નથી ? તમે બંગાળમાં શા માટે આયુષમાન યોજના લાગુ કરતા નથી ?, મમતાજી ગરીબોના અધિકારો મામલે રાજકારણ રમવાનું બંધ કરો. તમે અન્ય ઘણા મુદ્દે રાજકારણ રમી શકો છો પણ ગરીબોના આરોગ્ય મામલે નહીં અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે મમતાએ નાગરિકત્વ સુધારા કાયદાનો વિરોધ કરવાની મોટી કિંમત ચૂકવવી પડશે.