(એજન્સી) તા.૨૯
તૃણમૂલ કોંગ્રેસે સ્થળાંતરિત મજૂરોને ફક્ત ૫ રૂપિયામાં ભોજન પૂરૂ પાડવા માટે ‘દીદીર રન્નાઘર’ (મમતા દીદીનું રસોડુ) નામની યોજના શરૂ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સ્થળાંતરિત મજૂરોને મદદ કરવાનો છે જેઓ કોરોના વાયરસ મહામારી અને ત્યારબાદ લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે. એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ આ યોજના હેઠળ સ્થળાંતરિત મજૂરોને દરરોજ બપોરે ૧૧થી ૩ વચ્ચે ફક્ત પાંચ રૂપિયામાં ભોજન પૂરૂ પાડવામાં આવશે. આ ભોજન શાકાહારી હશે અને તેના મેનુમાં રોજ ફેરફાર થશે. આ ભોજનમાં દાળભાત, શાક, ખીચડી અને પાપડ પીરસવામાં આવશે. હાવડા, બેલગાચિયા અને બરાકપોરમાં આવેલા દીદીના રસોડાઓએ તો મજૂરોને ભોજન પીરસવાનું શરૂ પણ કરી દીધું છે. તૃણમૂલના ધારાસભ્ય તપસ રોયે કહ્યું હતું કે “મમતા બેનરજીના નેતૃત્ત્વમાં અમે લોકોની પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને એવા લોકો સાથે વંચિત વર્ગમાંથી આવે છે અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે.”