(એજન્સી) તા.૩
પશ્ચિમ બંગાળમાં મંગળવારે એક દિવસમાં સૌથી વધુ ૩૯૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા આ છેલ્લાં ૨૪ કલાકના જ આંકડા છે. જો કે, વધુ ૧૦ લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્ય સરકારે તેમના રોજિંદા બુલેટિનમાં આ માહિતી આપી હતી.
મમતા બેનરજીના નેતૃત્વ હેઠળની પશ્ચિમ બંગાળ સરકારે કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમો પણ હળવા કરી દીધા છે કે, જેથી કરીને લોકોના મનમાં પેસી ગયેલો કોરોના અંગેનો ભય દૂર થઈ શકે.
જો કે, ભાજપના કાર્યકરો સતત રાજ્યની મમતા સરકાર પર આરોપ મૂકી રહ્યા છે કે, તે કોરોના વાયરસની મહામારીની સ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. જો કે, બીજી બાજુ આ જ ભાજપના કાર્યકરો કોલકાતામાં પાર્ટીના મુખ્યમથકે પાર્ટી કરતાં જોવા મળ્યા હતા.
આ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા કરી નાખ્યા હતા. જો કે, આ પાર્ટીનું આયોજન કોલકાતામાં નવા ઓફિસ માટે કરવામાં આવ્યું હતું. બીજી બાજુ રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ લોકડાઉનના નિયમો હળવા કરી દેવાતા લોકોની ભીડ રસ્તાઓ પર ફરી જોવા મળી હતી. રાજ્યમાં જાણે ફરી રોનક પાછી ફરી હોય તેવા સ્પષ્ટ દૃશ્યો જોઈ શકાતા હતા.
જો કે, રાજ્યમાં હાયર સેકન્ડરી ધોરણોની પરીક્ષાની નવી તારીખોની પણ સરકારે જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં કુલ અત્યાર સુધી ૬૧૬૮ કેસ નોંધાઈ ચૂક્યા છે અને તેમાંથી ૩૪૨૩ કેસ હજુ સક્રિય છે. જો કે, મૃતઆંક ૨૬૩ થઈ ચૂક્યો છે.