(એજન્સી) કોલકાતા,તા.૩
દિલ્હીમાં કોમી હિંસાની ઘટનાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રમાણમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે હિન્દુઓ દ્વારા જીવતા દાટી દેવામાં આવેલા બાળક અને મહિલાને ખોદી કાઢી બહાર કાઢવામાં આવ્યા હતા. પાકિસ્તાની યુઝર દ્વારા લખવામાં આવ્યું હતું કે ભારતમાં મુસ્લિમોને જીવતા દાટી દેવામાં આવે છે. અલબત્ત, કોમી વર્ણન સાથેની આ સ્ટોરી બોગસ હોવાનું સ્પષ્ટ થયું હતું. હકીકતમાં આ વીડિયો પશ્ચિમ બંગાળના ઈસ્લામપુરનો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અકબર અલી નામક પુરૂષ દ્વારા ઝઘડા બાદ પોતાની પત્ની અને પુત્રીને દાટી દીધા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. યુ-ટયુબ યુઝર અફરાતુલ હક દ્વારા ૩૦ જાન્યુઆરી ર૦ર૦ના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેને અલગ રીતે રજૂ કરવામાં આવ્યો હતો. જો કે, સત્યશોધક ટીમ દ્વારા તપાસ કરાતાં આ વીડિયો ઈસ્લામપુરનો હોવાનું બહાર આવ્યું હતું અને બંગાળી અખબારમાં જે-તે સમયે આ અંગે સમાચાર પણ પ્રકાશિત થયા હતા. એક પરિણીત પુરૂષ દ્વારા ઝઘડા બાદ પોતાની પત્ની અને પુત્રીને દાટી દેવામાં આવ્યા હતા. હત્યા બાદ બંનેને દફન કરી દેવાયા બાદ મેજિસ્ટ્રેટની હાજરીમાં નૂરજહાં ખાતુન અને તેની પુત્રી રિઝવાનાના મૃતદેહ ખોદીને બહાર કાઢવામાં આવ્યા હતા. પારિવારિક વિવાદના આ કેસને કોમવાદી રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.