(એજન્સી) નવી દિલ્હી,તા.૬
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની ગરીબો માટેની ૮૦થી વધુ યોજનાઓ મમતા સરકાર દ્વારા લાગુ કરવામાં આવી નથી.
અમિત શાહે પ. બંગાળની મુલાકાતના પ્રથમ દિવસે પત્રકારોને કહ્યું કે કેન્દ્ર સરકારની ગરીબો અને આદિવાસીઓના લાભો માટેની ૮૦થી વધુ યોજનાઓ મમતા સરકાર દ્વારા અવરોધવામાં આવી હતી. હું મમતા બેનર્જીને કહેવા માંગું છું કે જો તેઓ માને છે કે તેઓ ભાજપને રાજ્યમાં આવતા અટકાવી શકે છે તો આ એમનો ભ્રમ છે.
જે રીતની શોષણાત્મક નીતિઓ મમતા સરકાર ભાજપના કાર્યકરો સામે કરી રહી છે એનાથી સ્પષ્ટ છે કે મમતા સરકારનો અંત આવી ગયો છે. આગામી ચૂંટણીઓમાં ભાજપ રાજ્યમાં સરકારની રચના બે તૃતિયાંશ બહુમતીથી કરશે, એમ એમણે કહ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીએ બાંકુરામાં બિરસા મુંડાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી હતી. એમણે વધુમાં કહ્યું હતું કે એક તરફ લોકોમાં મમતા સરકાર સામે ભારે રોષ છે અને બીજી બાજુ લોકોનો નરેન્દ્ર મોદીમાં અતૂટ વિશ્વાસ છે.
પ. બંગાળના ગરીબ લોકોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે પણ એ મદદ એમના સુધી પહોંચી જ નથી. આદિવાસી વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ છે. સ્વાસ્થ્ય માટે ૫ લાખ રૂપિયા સુધી ગરીબ કુટુંબોને અપાતો આયુષ્માન ભારત યોજના હેઠળનો લાભ તેઓ લઇ શકતા નથી. વધુમાં ખેડૂતો પણ પ્રતિવર્ષના ૬૦૦૦ રૂપિયા મેળવી શકતા નથી.
“હું બંગાળના લોકોને અપીલ કરું છું કે બંગાળના યુવાનોને રોજગાર મળે અને રાજ્યની સુરક્ષા સુનિશ્ચિત થાય એ માટે રાજ્યમાં ભાજપ સરકાર પસંદ કરે. અમે પશ્ચિમ બંગાળને ‘સોનાર બંગાળ’ બનાવીશું.” એમ અમિત શાહે કહ્યું હતું. બંગાળમાં ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી રૂપે અમિત શાહ અહી આવ્યા છે અને પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવશે. તેઓ દુર્ગા પૂજાના પ્રસંગે અહી આવવાના હતા પણ એ કાર્યક્રમ રદ્દ કરાયો હતો.