(એજન્સી) કોલકાતા,તા.૧૯
કેન્દ્રની ગાઇડલાઇન સાથે ૩૧ મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેર કર્યું હતું કે, તેમની સરકાર રાત્રી કરફ્યૂ લાદવા જઇ રહી નથી. પશ્ચિમ બંગાળમાં લોકડાઉન-૪ માટે નવી ગાઇડલાઇન જાહેર કરવા પત્રકાર પરિષદ યોજી મુખ્યમંત્રીએ કહ્યું કે, રાત્રી કરફ્યૂના નામે અમે લોકોને હેરાન કરવા માગતા નથી. તેમણે કહ્યું કે, લોકડાઉન ચાલુ રહેશે પણ હું લોકોને અપીલ કરૂં છું કે, સાંજે સાત વાગ્યા પછી તેઓ ઘરની બહાર ના નીકળે. અમે કરફ્યૂ લાદી રહ્યા નથી પણ બધા સહયોગ આપે. રાજ્ય સરકારે ત્રણ ભાગમાં કન્ટેનમેન્ટ ઝોન વહેંચ્યા છે. એ(અસરગ્રસ્ત ઝોન), બી(બફર ઝોન) અને સી(ક્લિન ઝોન). જ્યારે ઝોન-એમાં મોટાભાગના અંકુશો ચાલુ રહેશે. બી ઝોનમાં કેટલીક છૂટછાટ અપાશે અને સી ઝોનમાં સંપૂર્ણ રાહત અપાશે.
આ સાથે મમતાએ મુસ્લિમોને વિનંતી કરતા કહ્યુ કે, મુસ્લિમ સમુદાયના લોકો ઈદની ઉજવણી ઘરમાં જ કરે. તેમણે કહ્યું કે, હું જાણું છુ કે આ ખૂબ જ મુશ્કેલ છે, અને હું એ પણ જાણુ છુ કે, તમે આ કરી બતાવશો જેથી કરીને કોઈ આ મુદે સાજિશ ન રચી શકે અને બંગાળને દોષીત અને બદનામ ન કરી શકે. રમઝાન દરમ્યાન તમે લોકોએ પ્રસાશનને પૂરેપુરો ટેકો આપી એક મહ્‌તવની ભૂમિકા અદા કરી છે. તૃણમૂલ કોગ્રેસ સુપ્રીમોએ જણાવ્યું.
મમતા બેનરજીએ જાહેરાત કરી હતી કે, નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ૨૧મી મેથી રાજ્યના તમામ મોટા સ્ટોર્સ ચાલુ કરાશે. ૨૭મી મે પછી રાજ્ય સરકારો ઓટો રિક્ષાને પણ પરવાનગી આપી છે પરંતુ તેમાં માત્ર બે પેસેન્જર હોવા જોઇએ. આંતરજિલ્લા બસ સેવા ૨૧ મેથી શરૂ થશે. ફેરિયા બજારો ઓડ-ઇવન ફોર્મ્યુલાથી વૈકલ્પિક દિવસો પ્રમાણે ખુલશે. પોલીસ કમિશનો અને મ્યુનિસિપાલિટીઓ ફેરિયા વિસ્તારોની ફાઇન પ્રિન્ટ બનાવશે જેથી આકરી રીતે સોશિયલ ડિસ્ટન્સના નિયમ પાળી શકાય.