(એજન્સી) કોલકાતા, તા.૧૮
કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં વિનાશક વાવાઝોડું ત્રાટકતા ઓછામાં ઓછા ૧૫ લોકો માર્યા ગયા છે અને અન્ય ઘણા લોકો ઘવાયા છે. ૯૮ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ભારે પવન ફુંકાતા કોલકાતા સહિત રાજ્યમાં સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે. ભારે વરસાદ સાથે વિનાશક પવન ફુંકાવાને કારણે જાહેર પરિવહન સેવાઓ પણ ખોરવાઇ ગઇ છે. વૃક્ષો અને વીજળીના થાંભલા માર્ગો પર પડી જતા ટ્રાફિક ખોરવાઇ ગયો હતો અને લોકોને વીજ પુરવઠા વગર રહેવું પડ્યું હતું. કોલકાતામાં ભારે પવનને કારણે ઘણા મકાનોને પણ નુકસાન થયું છે અને ઘણી જગ્યાએ શોર્ટસર્કિટને કારણે આગ લાગવાના પણ અહેવાલો મળ્યા છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે. વાવાઝોડાને કારણે મેટ્રો ટ્રેન સેવાઓ પણ ખોરવાઇ ગઇ હતી.
વાવાઝોડાને કારણે કોલકાતામાં ૭ અને હાવડામાં ૬ લોકો માર્યા ગયા છે. જ્યારે હુઘલી અને બાંકુરા જિલ્લાઓમાં વીજળી પડતા બે લોકો માર્યા ગયા છે. કોલકાતામાં લેનિન સરાનીમાં એક ઓટોરિક્ષા પર ઝાડ પડતા રિક્ષામાં જઇ રહેલા પાંચ લોકો માર્યા ગયા છે. આનંદપુરા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બેહાલા વિસ્તારમાં ઝાડ પડતા એક રાહદારીનું મૃત્યુ નીપજ્યું હતું. કોલકાતા મહાનગરપાલિકાએ કાટમાળ અને રોડ પર પડી ગયેલા વૃક્ષો અને ઇલેક્ટ્રિકના થાંભલાઓ દૂર કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ કામે લગાડી છે. દક્ષિણ-પૂર્વ રેલવેના સૂત્રોે જણાવ્યુંં કે સિયાલદાહ અને હાવડા ડિવીઝનમાં ટ્રેન સાથે જોડાયેલા વિજળીના તાર તૂટી ગયા હોવાથી સબબર્ન ટ્રેન સેવાઓને પણ અસર થઇ છે. સૂત્રોએ જણાવ્યું કે રેલિંગનો એક ભાગ હાવડા સ્ટેશન પર એક ખાલી ટ્રેન પર પડ્‌યો હતો પરંતુ ટ્રેનમાં કોઇ નહીં હોવાથી કોઇ જાનહાનિ થઇ નથી. એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે વિનાશક પવન ફુંકાવાને કારણે વિમાનોના લેન્ડીંગ અને રવાનગીમાં વિલંબ થઇ રહ્યો છે.